નિર્માણકાર્ય:મુલધરથી જબુગામ વચ્ચે મેરીયા નદી પર રૂં.8.50 કરોડનાં ખર્ચે પુલ બનશે

જબુગામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં મેરીયા નદીમાં ભારે પાણીની આવક થતાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું
  • 10 વર્ષની મુશ્કેલીઓનો અંત આવતાં ગ્રામજનોમાં ખુશીની લહેર

બોડેલીથી પસાર થતા ને.હા.નં 56ને જોડતાં મુલધરથી જબુગામ મેરીયા નદી પર રૂપિયા 8.50 કરોડના ખર્ચે નવો પુલ બનાવવા રાજ્યના બાંધકામ વિભાગે મંજૂરી આપી દીધી છે. ત્યારે આ વિસ્તારની પ્રજામાં ખુશીની લહેર જોવા મળે છે.

બોડેલી તાલુકાના ને.હા.નં. 56 નજીકના મુલધરથી જબુગામ વચ્ચેની મેરીયા નદી પર બનાવવામાં આવેલ કોઝવે છેલ્લા 10 વર્ષથી તૂટેલી હાલતમાં છે. જેને લઇ મુલધર સહિત આસપાસના ગામના લોકો છેલ્લા 10 વર્ષથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

છેલ્લા એક દશકથી ચોમાસાની સિઝનમાં મેરીયા નદીમાં ભારે પાણીની આવક થતા પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. જેને લઇ નદી પર બનાવેલ લો લેવલના કોઝવેનું ધોવાણ થતાં કોઝવે તૂટતા અનેક ગામોના લોકોને પોતાના કામ સહિત સંખ્યાબંધ વિદ્યાર્થીઓને મેરીયા નદીના વહેતા પાણીમાં જીવના જોખમે સામે કિનારે જવું પડતું હતું.

સરકારના માર્ગ-મકાન વિભાગના લેખિત હુકમમા રૂા. 8.50 કરોડના ખર્ચે બનનાર મુલધર મેરીયા નદી પરના પુલ માટે ધારાસભ્ય સુખરામભાઈ રાઠવાએ તેમના મત વિસ્તારની પ્રજાની લાગણીનો પડઘો પાડતાં રાજ્યના બાંધકામ વિભાગે આ પુલ અને પુલને જોડતા એપ્રોચ રોડ બનાવવા મંજૂરીની મહોર મારી છે.

15 ગ્રામ પંચાયતોએ ઠરાવ કર્યો
મેરીયા નદી પર પુલ મંજુર થતા આ વિસ્તારના કબીર સંપ્રદાયના 15થી 20 ગામોના ગ્રામજનોને ચોમાસા સહિત બારેમાસ સીધો લાભ થશે. મુલધર કબીર મંદિરે મોટી સંખ્યામાં કબીરજીના ભકતજનો દર્શનાર્થે આવતા હોય છે. આ પુલ બનવાથી મુલધર, જબુગામ, ટોકરવા, સીમલીયા, ટીંબી, ધોળીવાવ, જીવનપુરા, ગડોથ સહિતના અનેક ગામના લોકો સહિત અનેક ગામો સીધા લાભાન્વિત થશે. 15 ગ્રામ પંચાયતો દ્વારા ગ્રામસભામાં ઠરાવો કરી આ પુલ બનાવવાની માગ કરાઈ હતી.

સ્થાનિક રાજકારણમાં ગરમાટો આવ્યો
કેટલાક રાજકીય આગેવાનોએ નકારાત્મક અભિપ્રાય દર્શાવી જસ અને અપજશના રાજકારણને આગળ ધરી કોઝવે ના મંજુર કરાવ્યો હતો અને ફરી કોઝવે બનાવવા ઠરાવ્યું હતું. મેરીયા નદી પર પુલ બાંધવા વર્ષો જૂની માગણી મંજૂર થતા આ વિસ્તારની પ્રજાને જે તકલીફો પડતી હતી તે દૂર થશે. -નારણભાઈ બારીયા, આગેવાન મુલધર

બાંધકામની મંજૂરી મળતાં પ્રજાની તકલીફો દૂર થશે
બોડેલી તાલુકાના મુલધર ગામે સુપ્રસિદ્ધ કબીર સંપ્રદાયના પારખધામ કબીર મંદિરે બારેમાસ મોટી સંખ્યામાં છોટાઉદેપુર જિલ્લા સહિત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં કબીરજીના ભક્તજનો દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે લાંબા સમયથી સ્થિતિ ઠેરની ઠેર રહેતી હતી જે અંગે રજૂઆત કરાતા પુલના બાંધકામની મંજૂરી મળતાં પ્રજાની તકલીફો દૂર થશે. - સંતશ્રી નરેશ સાહેબજી, કબીર મંદિર, મુલધર

અન્ય સમાચારો પણ છે...