તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ બાદ બફારો:બોડેલીનાં વિવિધ વિસ્તારમાંથી સરિસૃપોને રેસ્ક્યૂ કરાયાં

જબુગામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચોમાસાની શરૂઆત સાથે વધતા બફારાના કારણે રહેણાંક વિસ્તારમાં સરીસૃપો જોવા મળતા હોય છે ત્યારે બોડેલી પંથકમાં સરીસૃપો માનવ રહેણાંક વિસ્તારમાં જોવા મળતા હોવાની ઘટના વધી રહી છે. બોડેલી તાલુકાના ભદ્રાલી ગામે અલ્પેશભાઈ બારીયાના ઘરમાં એક ચાર ફૂટનો કોબ્રા નીકળતા દોડધામ મચી ગઈ હતી. આ વાત ઘરના સદસ્યએ જીવદયા પ્રેમી ટીમને કરતા વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટના સદસ્યોએ તુરંત ઘટના સ્થળે પહોંચી રેસ્કયુ કરીને સાપને જહેમત ઉઠાવી ઝડપી પાડ્યો હતો.

બીજા બનાવમાં બોડેલીના મોટી બામરોલી ગામે વિક્રમભાઈ શાંતિલાલ બારીયાના કુવામાંથી ત્રણ ફુટનો રસેલ વાયપર (ખડચિતડ) પ્રજાતિનો ઝેરી સાપને પણ વાઈલ્ડ લાઈફના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી પકડી લીધો હતો.

તેમજ ચારોલા ગામે ચાર ફુટનો બિનઝેરી ધામણ સાપનું પણ રેસ્કયુ કરવામાં આવ્યું હતું. બોડેલીના સેવા સદનના મુખ્ય દરવાજા નજીકથી બે ફુટનો રૂપસુંદરી પ્રજાતિનો સાપ નીકળતા દોડધામ મચી ગઈ હતી. બોડેલી વાઈલ્ડ લાઈફના સદસ્યો પ્રદિપ બારીયા, મનોજ ભોઇ અને અમીત તડવી દ્વારા માનવ વસ્તીમાં નીકળતા સરીસૃપોને સિફત પૂર્વક પકડી પાડી જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવે છે.

સંસ્થાના પ્રદિપ બારીયાએ જણાવ્યું હતું કે સરીસૃપોમા ધામણ સાપ બિનઝેરી હોય છે અને મનુષ્યને દંશ મારે તો પણ નુકસાન થતું નથી. પરંતુ બ્લેક કોબ્રા અત્યંત ઝેરી છે. જેના દંશવાળી વ્યક્તિને તાત્કાલિક સારવાર ન મળે તો મૃત્યુ પણ નીપજી શકે છે. બોડેલી વિસ્તારમાં પકડાયેલા સરીસૃપોને બોડેલી વાઈલ્ડ લાઈફના સદસ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવી પકડી જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે. આ પકડાયેલા સરીસૃપોને પકડીને વન વિભાગના માર્ગદર્શન મુજબ રહેણાંક વિસ્તારથી દુર જાંબુઘોડાના કુદરતી જંગલ વિસ્તારના કુદરતી નૈસર્ગિક વાતાવરણમાં સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...