હાલાકી:બોડેલી રેલવે ફાટક પાસે ઓવર બ્રિજ અંગે તંત્રની ઢીલાશથી લોકો નારાજ

બોડેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તત્કાલીન CMની ઓવર બ્રિજની જાહેરાત છતાં કોઈ આગળ આવતું નથી
  • જાહેર થયેલા બીજા કરોડો રૂપિયાના કામો અંગે પણ સવાલ

બોડેલીના બાય પાસ હાઇવે રોડ પર રેલવે ફાટક દિવસમાં અવારનવાર બંધ થતી હોવાને લીધે ટ્રાફિક સમસ્યા વધુ ઘેરી બની રહી છે. ત્યારે તત્કાલીન મુખ્યમંત્રીએ જાહેર કરેલા ઓવર બ્રિજ બનાવવા માટે તંત્રની ઘોર ઉપેક્ષાથી સમગ્ર છોટાઉદેપુરની જનતા નારાજ જોવા મળી રહી છે. રેલવે ફાટકને લીધે ટ્રાફિકની સમસ્યા તો વર્ષોથી છે અને તે અંગે જિલ્લામાં તંત્રને સમસ્યાનો કોઇ હલ દેખાયો નહીં. તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચારેક વર્ષ અગાઉ રેલવે ફાટકને બદલે ઓવર બ્રિજ બનાવવાની જાહેરાત કરી હતી.

જેના આશરે 50 કરોડ રૂપિયા પણ ફાળવી દેવાયા હતા. પણ આજસુધી ઓવર બ્રિજને લઇને સ્થળ પર કોઈ જ કામ ન થતાં બોડેલી સહિત સમગ્ર છોટાઉદેપુરની જનતા તંત્રની કામગીરીથી ખૂબ નારાજ છે. જાહેર કરેલું કામ જો આટલા લાંબા સમય પછી શરૂ ન થતું હોય તો પછી બીજા જાહેર થયેલા કરોડો રૂપિયાના કામો માટે કેવી રીતે ભરોસો મૂકી શકાય તેવો સવાલ લોકોમાં ઊભો થયો છે. અત્યારે ટ્રાફિક સમસ્યા વધુ ઘેરી બનતી જાય છે અને ત્યાં એમ્બ્યુલન્સ જેવા વાહનો અવારનવાર ફસાય છે. ત્યારે કોઇ નેતા કે અધિકારી ઓવરબ્રિજ અંગે જાહેરમાં બોલવા તૈયાર નથી.

બોડેલીના ઓવરબ્રિજને લઇને એક વર્ગ વિરોધ કરી રહ્યો છે
બોડેલીનો રેલવે ઓવર બ્રિજ બનાવવાની તંત્રની હિલચાલ સામે ઓવર બ્રિજ આસપાસના કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે. ઓવર બ્રિજની ડિઝાઇનને લઈને વિરોધ છે અને ચોમાસાના પાણીનો યોગ્ય નિકાલ નહી થાય તેનો પણ વિરોધ ઉઠ્યો છે.

બંધ ફાટકમાં 108 પણ અટવાઈ હતી
બોડેલી રેલવે ફાટક બંધ હોય ત્યારે બંને તરફ ટ્રાફિક સર્જાય છે. આવા ટ્રાફિકમાં બુધવારે 108 પણ અટવાઈ હતી. જ્યારે અકસ્માત કે ગંભીર બીમારીવાળો દર્દી આ રીતે ટ્રાફિકમાં અટવાય ત્યારે તેના માટે એક એક મિનિટ કીમતી હોય છે. ફસાયેલી 108 દરમ્યાન અન્ય વાહનો પણ રસ્તો આપી ન શકવા માટે મજબૂર હતા.

અન્ય સમાચારો પણ છે...