બોડેલી તાલુકાના જબુગામ પંથકમાં છેલ્લા એક સપ્તાહથી ધોમધખતો ઉનાળાની કાળઝાળ ગરમીમાં દિવસે અને રાત્રે ગમે ત્યારે વીજળી ડૂલ થઈ જાય છે, જેના કારણે કાળઝાળ ગરમીમાં લોકોને સેકાવુ પડે છે, સાથે હેરાન થવાની ફરજ પડી રહી છે. વીજ તંત્ર દ્વારા કોઈ પણ જાતની સૂચના વિના વીજપ્રવાહ કલાકો સુધી બંધ કરી દેવામાં આવતા અને ચાલુ હોય ત્યારે વારંવાર ટ્રીપો મારતા લોકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડી રહ્યું છે.
જબુગામ પંથકમાં દિવસ અને રાત્રીના સમયે વીજળી વારંવાર ડુલ થતાં બાળકો, વયસ્કો અને બીમાર વ્યક્તિઓને ભારે હાડમારીનો ભોગ બનવું પડે છે. આ બાબતે જબુગામના જાગૃત નાગરિક જીગ્નેશ પંડિત સહિતના આગેવાનો દ્વારા વીજ કંપનીની કચેરીમાં રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ ઉકેલની દિશામાં કોઈ પગલાં ભરાતાં નથી. વીજ ફોલ્ટ અને રિપેરિંગનું કારણ આગળ ધરી વીજ કાપ લદાઈ રહ્યો છે.
એક સપ્તાહથી દિવસે અને રાત્રે વારંવાર વીજળીની આવન જાવનથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેટલીક વખત વીજળીના પુરવઠામાં વારંવાર વધઘટ થવાના કારણે કેટલાકના ઘરોનાં વીજ ઉપકરણો ફુંકાતા લોકોને આર્થિક નુકસાની થઈ છે. ત્યારે તંત્ર દ્વારા જબુગામ વિસ્તારમાં નિયમિત રીતે વીજપુરવઠો આપવામાં આવે તેવી માગ ઉઠી છે. જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ જો તંત્ર દ્વારા વીજપ્રવાહ નિયમિત રીતે આપવામાં નહીં આવે તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાના મુડમાં હોવાનું જાણવા મળેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.