રાજ્ય સરકારના આદેશ મુજબ છોટાઉદેપુર જિલ્લામાં છ તાલુકાઓની 170 જેટલી જર્જરિત શાળાના 589 ઓરડા ઉતારવા માટેની ખાસ મીટિંગ બોડેલી મુકામે ટી પી ઓ એ લીધી હતી. આ શાળા તાત્કાલિક અસરથી તોડી નાખવા માટેનો આદેશ છૂટતાં જ શિક્ષકોમાં પણ દોડધામ મચી હતી.ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનુ શાસન છે ત્યારે શાળાઓની હાલત ખરાબ છે તે મુદ્દો રાષ્ટ્રીય બન્યો છે. ત્યારે સરકાર પણ સફાળી જાગી હોય તેમ આવી શાળાઓ તાત્કાલિક તોડી નાખવા માટેનો આદેશ ફરમાવ્યો છે.
છોટાઉદેપુર જિલ્લામાં છ તાલુકાઓમાં આવી જર્જરિત શાળાઓ 170 જેટલી હોવાની માહિતી મળી છે. બોડેલીમાં 44, સંખેડામાં 26, નસવાડીમાં 11, કવાંટમાં 24, પાવી જેતપુરમાં 21 અને છોટાઉદેપુર તાલુકામાં 45 શાળાઓ જર્જરિત હોવાના સરકારી આંકડા મળ્યા છે. આ શાળાના 589 ઓરડાને તોડવાના આદેશના પગલે હવે શાળા સંચાલકો આવી શાળાને તાત્કાલિક અસરથી તોડી નાખવા માટેની કામગીરીમાં જોતરાઈ ગયા છે.
589 ઓરડા તોડવાના તેની સામે 332 નવા મંજૂર થયા : ડીપીઓ
છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાની 170 શાળાના 589 જર્જરિત ઓરડા સાત દિવસમાં ઉતારી લેવાનો આદેશ અપાયો છે. તે અગાઉ તોડવા માટેની મંજુરી લઈ લેવાઇ છે. આ 589 ઓરડા સામે રાજ્ય સરકારે 332 નવા ઓરડા મંજૂર પણ કરી દીધા હોવાની માહિતી ડીપીઓ ઇમરાન સોનીએ આપી હતી.
બુથવાળા ઓરડા તોડવા મંજૂરી લેવી: TPO
બોડેલી ખાતે ટી પી ઓ જીજ્ઞેશ વણકર દ્વારા લેવાયેલી મીટિંગમાં જર્જરિત શાળાઓના ઓરડા ઉતારી લેવા અને જે બુથના ઓરડા છે તેની મંજૂરી લઈને તોડવાના રહેશે તેમ જણાવવામાં આવ્યું હતું. હાલમાં જિલ્લામાં જર્જરિત ઓરડા તોડવાની કામગીરી વેકેશન દરમિયાન શરુ થવાની સંભાવના છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.