ભાસ્કર વિશેષ:બોડેલી તાલુકાના ચલામલી પંથકમાં કેળ બાદ ટામેટીમાં નેમીટોસ-વાઈરસ : ખેડૂતો ચિંતિત

જબુગામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમીન જન્ય રોગોનો પાકમાં આક્રમણ વધવાથી ખેડૂતોને મોટો આર્થિક ફટકો

બોડેલી તાલુકાના ચલામલી, નવા ટીમ્બરવા, વણઘા સહિત ગામોમાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો કેળ, મરચી, ટામેટી, પપૈયા, રીંગણ શાકભાજી સહિતની ખેતી મોટા પ્રમાણમાં કરે છે. છેલ્લા બે વર્ષથી કેળ, ટામેટી, મરચી સહિતના પાકોમાં ખેડૂતોને અણધારી આફતોનો સામનો કરવાનો વારો આવ્યો છે. કેળના પાકમાં સિંગાટોકાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે ટામેટીમાં પણ જમીનજન્ય રોગોએ પગપેસારો મોટા પ્રમાણમાં કરતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ બનવા તરફ ધકેલાયા છે. ટામેટીનો પાક સામાન્ય રીતે જૂન મહિનામાં વાવેતર કરતા તે સપ્ટેમ્બર મહિનામાં તેનું ઉત્પાદન શરૂ થઇ જાય છે.

પરંતુ આ વર્ષે ચોમાસાની સીઝનના અંતિમ દિવસોમાં વરસાદે જોરદાર બેટિંગ કરતા પાકોને ભારે નુકસાન થવા પામ્યું હતું. ચોમાસાની સીઝન પૂર્ણ થયા બાદ ખેડૂતોએ બાગાયતી પાકોમાં મહેનત વધારી દેતા ટામેટી, મરચી સહિત પાકોને સખત મહેનત કરીને ઉત્પાદન લેવાની તૈયારીમાં હતા તે સમયે ફરી કમોસમી વરસાદ પવન સાથે થતા જમીનજન્ય રોગોનો એટેક વધવાથી કેળમાં સિંગાટોકા અને ટામેટીમાં નેમીટોસ અને વાઇરસ રોગ આવી જતા ખેડૂતોના પાકને નુકસાન થવા પામ્યું છે.

ટામેટીમાં ખેડૂતોએ સખત મહેનત કરી હોવા છતાં આજદિન સુધી કોઈ ઉત્પાદન મેળવી શક્યા નથી. વણઘા ગામના પ્રગતિશીલ ખેડૂત રાકેશભાઈ પટેલ જણાવે છે કે તે છેલ્લા 10 વર્ષથી ટામેટી અને કેળની ખેતી કરે છે. પણ છેલ્લા બે વર્ષમાં કેળના પાકમાં સિંગાટોકા અને ટામેટીમાં નિમેટોસ,વાઇરસ પુષ્કળ પ્રમાણમાં વકર્યો છે. જેની કોઈ દવા નથી જેના કારણે ખેડૂતો પાક બચાવી શકતા નથી. પાકમાં કરેલ ખર્ચને ખેડૂતો પહોંચી ન વળતા ખેડૂત પાયમાલ બનવા તરફ ધકેલાયો છે. આમ કેળ બાદ ટામેટીમાં નેમીટોસ અને વાઇરસનો પ્રકોપ વધતા ખેડૂતોને આર્થિક ફટકો પડતા મુશ્કેલીમાં મુકાયો છે.

અન્ય સમાચારો પણ છે...