જોગવાઈ:બોડેલી તાલુકામાં 100થી વધુ પશુઓના વરસાદમાં આવેલા પૂરના પ્રકોપથી તણાઈને મોત નિપજ્યાં

જબુગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃત પામેલ ગાય, ભેંસ માટે 30000, નાના પશુઓ 10000ની સરકાર દ્વારા જોગવાઈ કરાઈ છે

બોડેલી તાલુકામાં તાજેતરમાં આભ ફાટતાં 22 ઈંચ જેટલો વરસાદ વરસતા ખેતરો બેટમા ફેરવાતા નદી, નાળા, તળાવો, કોતરો ધસમસતા પાણીના પ્રવાહમાં છલકાવા સાથે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે તાલુકામાં બારેમેઘ ખાંગા થવા સાથે પુરની સ્થિતિ સર્જાતા બોડેલી તાલુકાના પુરગ્રસ્ત ગામોમાંથી પશુપાલકોના 100 ઉપરાંત પશુઓ તણાઈ ગયા હતા.

ત્યારે ગુજરાત રાજ્યમાં ખાબકેલા વરસાદથી પુરના પ્રકોપથી તણાઈને રાજ્યમાં કુલ 481 પશુઓના મૃત્યુ થયા હતા. જેમાં બોડેલી તાલુકાના 102 જેટલાં નાના મોટા પશુઓનો સમાવેશ થાય છે. જેની તંત્રને રજૂઆતો મળી રહી છે. બોડેલી તાલુકાની કચેરી પર અંદાજે 100થી વધુ અરજીઓ તંત્રને મળી છે. છતા જે પશુ પાલકોના ગાય, ભેંસ કે અન્ય પશુઓ તણાઈ ગયા છે. તેઓએ તંત્રને જાણ કરવી જોઈએ.

બોડેલી તાલુકામાંથી પશુ મૃત્યુ સહાય માટે ગામોમાંથી પશુ મૃત્યુ માટે અરજી મળતા પશુ ચિકિત્સકો પશુ મૃત્યુની ખરાઈ કરવા માટે ગામોમાં જાય છે. તો કેટલાક સ્થળોએથી મૃતદેહના બદલે ખાલી હાડકાં મળી આવે છે. પશુ પાલકોના જણાવ્યા મુજબ નદી, નાળા, કોતરોમાં ધોધમાર વરસાદને પગલે પુર આવતા પશુઓને છુટા મુકતા પશુઓ તણાઈ જતાં ખેતરો અને જંગલ વિસ્તારમાં તેમના મૃતદેહો પડ્યા હતા.

પરંતુ તંત્રની ટીમો આવી ત્યારે પાણી ભરાયેલા હોવાથી ત્યાં સુધી પહોંચી શકાય તેમ ન હતુ. ત્યારે બોડેલી તાલુકા પશુ ચિકિત્સકના જણાવ્યા મુજબ સરકાર દ્વારા ગાય ભેંસ જેવા મોટા પશુ માટે રૂપિયા 30000 અને નાના પશુ વાછરડા, પાડા માટે રૂપિયા 10000 અને ધેટાંબકરાં માટે રૂપિયા 3000 લેખે પુરમાં પશુઓ તણાઈ જતાં પશુપાલકોને સહાય આપવાની સરકાર દ્વારા જોગવાઈ કરવામાં આવી છે.

નાયબ પશુ નિયામકે જણાવ્યું હતું કે પશુ મૃત્યુ સહાય ચૂકવવા માટે પશુ ચિકિત્સક અધિકારીઓનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ કે પશુ મૃતદેહની ખારાઈનુ પ્રમાણપત્ર ફરજિયાત છે. તેના વગર પશુ સહાય ચુકવી શકાતી નથી. ઉપરાંત પશુપાલક પશુ મૃતદેહ અને પશુ ચિકિત્સક અધિકારી સાથે ફોટોગ્રાફ પણ જરૂરી હોય છે. હાલમાં પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે નાયબ પશુ નિયામક છોટાઉદેપુર જિલ્લા પંચાયતની સુચના હેઠળ બચાવ થયેલા પશુઓના રસીકરણ તથા કૃમિનાશક દવા પશુઓને આપવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...