વિસર્જન યાત્રામાં હુમલો:બોડેલીમાં ગણેશ વિસર્જન કરી આવતા યુવકો પર ટોળાનો હુમલો,5 જણ ગંભીર

બોડેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બોડેલીમાં શ્રીજીની વિસર્જન યાત્રામાં પરત જતા મંડળ પર કરાયેલા હુમલામાં ઘાયલ 5 યુવાનોને સારવાર માટે દાખલ કરાયા હતા. - Divya Bhaskar
બોડેલીમાં શ્રીજીની વિસર્જન યાત્રામાં પરત જતા મંડળ પર કરાયેલા હુમલામાં ઘાયલ 5 યુવાનોને સારવાર માટે દાખલ કરાયા હતા.
  • છોટાનગરના યુવકોને આંતરી પાઇપ-લાકડીઓથી ફિલ્મી ઢબે માર માર્યો
  • 50થી વધુના​​​​​​​ ટોળા સામે ગુનો નોંધાયો, મોડી રાત્રે 3 શખ્સોની અટકાયત

બોડેલીમાં ગણેશ વિસર્જન યાત્રા સાંજે શાંતિપૂર્વક પૂર્ણ થવાને આરે હતું ત્યાં જ મોડી સાંજે કેસરબા સોસાયટી પાસે છોટા નગરનું ગણેશ મંડળ વિસર્જન કરી કેનાલથી પરત ફરી રહ્યું હતું ત્યારે 50થી વધુના ટોળાએ ફિલ્મી ઢબે આવીને પથ્થરો અને લોખંડની પાઈપથી હુમલો કરતાં નાસભાગ મચી હતી. જેમાં 5 યુવાનોને ગંભીર ઇજા પહોંચતા બોડેલી પબ્લિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. બોડેલી પોલીસે ફરિયાદને આધારે 50થી વધુ સામે ગુનો નોંધી મોડી રાતે શંકાના આધારે 3ની અટકાયત કરી હતી.

બોડેલીના બજારમાંથી અલીપુરા ચોકડી પર વિસર્જન યાત્રા ધીમેધીમે આગળ વધતી હતી, જ્યારે છોટા નગરના યુવાનો ઝાખરપુરાના તળાવમાં ગણેશ વિસર્જન કરી કેનાલથી જૂની બોડેલી જવાના જૂના માર્ગેથી પરત આવી રહ્યા હતા. દરમિયાન 50થી વધુ તોફાની તત્ત્વોના ટોળાએ ફિલ્મી ઢબે છોટા નગરના યુવાનો પર પથ્થરમારો કરી ભયનું વાતાવરણ સર્જી દીધું હતું.

પથ્થરમારા પછી પાંચેક યુવાનોને પકડી લોખંડની પાઈપ અને અન્ય હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. એક યુવકને કેનાલમાં ફેંકી દેવા સુધી ટોળાએ હરકત કરી હોવાનું જાણવા મળ્યું હતું, જોકે તે યુવક મળી આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ મુકેશ કાંતિભાઈ બારિયા, અર્જુન સોમાભાઈ બારિયા, ચિરાગ રમણભાઈ બારિયા, સુનિલ રમણભાઈ બારિયા, અક્ષય બારિયા (તમામ રહે. છોટા નગર, બોડેલી)ની સારવાર ચાલી રહી છે. તોફાની પૈકી 3ની શંકાને આધારે બોડેલી પોલીસે અટક કરી હતી.

ધાનક વાડના યુવક પર હુમલાની અદાવત
બોડેલીની અલીપુરા ચોકડી પર ધાનક વાળાના યુવાનને માર માર્યો હતો, જેને ગંભીર ઇજા થઇ હતી. ત્યારે છોટા નગરના યુવક મંડળના યુવકો વિસર્જન કરી પરત આવતા હતા ત્યારે અદાવત રાખી હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ બંને તરફી વિગતો મેળવી તપાસ આગળ વધારી છે.

અન્ય સમાચારો પણ છે...