માગ:જબુગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 1 સપ્તાહથી સર્જાઈ દવાની અછત

જબુગામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર્દીઓને નાછૂટકે બહારથી દવાઓ ખરીદવી પડે છે : તાત્કાલિક ધોરણે દવાઓ ફાળવવા માગ

બોડેલી તાલુકાના જબુગામ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દવા સહિતની સમસ્યાઓ બહાર આવી છે. આ મુદ્દે આરોગ્ય તંત્ર દ્વારા કાર્યવાહી જરૂરી છે. જબુગામના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા એક સપ્તાહથી દવાઓની અછત સર્જાઇ છે. દર્દીઓને નાછૂટકે બહારથી દવાઓની ખરીદી કરવી પડે છે. જેના કારણે ગરીબ દર્દીઓને ભારે હાડમારી પડી રહી છે. હાલ આરોગ્ય કેન્દ્રમાં દવાઓ ખુટી ગઈ હોવાથી દર્દીઓને પોતાના પૈસે બહારથી દવાઓ લાવવા મજબુર બન્યા છે. આરોગ્ય કેન્દ્રમાં ગામડાઓમાંથી દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા માટે આવે છે.

ત્યારે છેલ્લા 1 સપ્તાહથી દવાઓ ખુટી ગઈ છે. છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે દર્દીઓ અને ડોક્ટરો વચ્ચે ઘણી વખત ઝધડો પણ થાય છે. દવાખાનામાં સારવાર અર્થે આવતા અમુક દર્દીઓ પાસે તો માંડ ટીકીટ ભાડાના જ પૈસા હોય છે. ત્યારે આવા દર્દીઓ બહારથી દવાઓ કેવી રીતે ખરીદી શકે? તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આરોગ્ય કેન્દ્રમાં દવાઓ ફાળવવામાં આવે તે જરૂરી છે. જેથી ગરીબ દર્દીઓને હાલાકી ન પડે.

સરકારી દવાખાનાના પ્રશ્નો વહેલી તકે ઉકેલવામાં આવે અને સ્ટાફની ઘટ ભરવામાં આવે એવી માગ ઉઠવા પામી છે. યોગ્ય ઉકેલ નહીં આવે તો ગ્રામજનો દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સરકારી દવાખાનામાં સોનોગ્રાફી મશીન પણ હાલ બંધ હાલતમાં છે. સગર્ભા મહિલાઓને મફતમાં મળતી ટીફીન સેવા પણ બંધ થઈ ગઈ છે. ત્યારે જબુગામ સામુહિક આરોગ્ય કેન્દ્રની કથળતી સેવાઓને લઈને અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

અન્ય સમાચારો પણ છે...