બોડેલી તાલુકાના જબુગામ વિસ્તારમાં ફરી દીપડાનો આતંક ઉઠ્યો છે. જબુગામના રાજપૂત ફળિયામાં જે જગ્યાએથી દીપડાએ બે ભેંસના ત્રણ બચ્ચાનું મારણ કર્યું હતું તે જ ફળિયામાં ફરી ગતરાત્રિ દરમિયાન કોઠારમાં પ્રવેશ કરી એક પાડી પર હુમલો કર્યો હતો. પાડીની હાલત ગંભીર હોવા સાથે કાન અને થાપા પર ઇજાઓ થઈ હતી.
દીપડાના વધુ હુમલાથી બચવા માટે વનવિભાગ દ્વારા દીપડાને પકડવા માટે અલગ-અલગ જગ્યા પર પાંજરા ગોઠવાયા છે. તાજેતરમાં જ દીપડાએ જબુગામ પંથકના બે માસૂમ બાળકોને મોતને ઘાટ ઉતાર્યા હતા તેમજ જબુગામના ભરચક એવા રજપૂત ફળિયામાં રહેતા પ્રદિપસિંહ ચંન્દ્રસિહ શિનોરાને ત્યાં તારીખ 10 ડિસેમ્બર 2022ના રોજ તેમની ભેંસના ત્રણ બચ્ચાનું મારણ કરતાં તેના મોત નિપજયાં હતા.
ત્યારે બુધવારે રાતના ફરી એકવાર દીપડાએ પ્રદિપસિંહની પાડીને ગંભીર રીતે ઈજાઓ પહોંચાડી હતી આ અંગેની જાણ થતાં પ્રદિપસિંહે તાત્કાલિક વન વિભાગને જાણ કરતાં બોડેલી વન વિભાગના આરએફઓ એ.કે.રાઠવા, બીટગાર્ડ રતનભાઈ રાઠવા અને કુસુમબેન બારીયા દ્વારા સ્થળ પર જઇ ચકાસણી કરતાં દીપડા દ્રારા હુમલો થયો હોવાનું પુરવાર થયું હતું.
દીપડાએ ફરી એક પશુ પર હુમલો કરતાં ગ્રામજનોમાં ફફડાટ સાથે ભયનો માહોલ સર્જાયો છે. વિધિની વક્રતા મુજબ ફળીયામાં અનેક પશુપાલકો પોતાના નાના મોટા પાલતુ પશુઓ બહાર ખુલ્લામાં જ બાંધે છે તેમ છતાંય અન્ય ફળિયા ચીરીને દીપડા દ્વારા પ્રદીપસિંહના જ પાલતું પશુઓ પર બીજી વખત હિંસક હુમલા થયા છે. ઉલ્લેખનીય છે કે જબુગામ પંથકમાં વારંવાર પશુઓ પર દીપડા દ્વારા હુમલાના બનાવો બને છે. તેથી દીપડાઓ પર નજર રાખવા ટ્રેપ કેમેરા મૂકી તેમને ગામમાં આવતા રોકી શકાય. હાલ તો દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.