વિવાદ:બોડેલીમાં થયેલી મારામારીની ઘટનામાં સામસામે ફરિયાદ થતાં 8 સામે ગુનો નોંધાયો

બોડેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છોટાનગરની છોકરી સાથે ધાણકવાડનો યુવક અથડાતાં ઘર્ષણ
  • ભવાની યુવક મંડળ અને ધાણકવાડના શિવ યુવક મંડળના યુવકો વચ્ચે ધિંગાણું

બોડેલીના બજારમાં ગણેશ વિસર્જન દરમિયાન એક યુવતી સાથે એક યુવક અથડાઇ ગયો હતો. એ ઘટના બાદથી બે મંડળો વચ્ચે બે વખત ઘર્ષણ સર્જાયું હતું. છેવટે વિસર્જન કરી પરત ફરતી વખતે મામલો વધુ બગડ્યો હતો. જેમાં હુમલો કરતાં 5 યુવાનો ઘાયલ થયા હતા. બનાવ મામલે સામસામી થયેલી ફરિયાદમાં કુલ 8 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધીને બોડેલી પોલીસ દ્વારા આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ છોટાનગરના ચિરાગ બારીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ભવાની યુવક મંડળ જ્યારે બજારમાં વિસર્જન યાત્રામાં જોડાયું ત્યારે રાજદીપ બારીયા નામનો યુવક છોટાનગર વિસ્તારની યુવતી સાથે અથડાઇ ગયો હતો. જોકે તે વખતે તો મામલો તરત થાળે પડી ગયો હતો. પરંતુ બાદમાં અલીપુરા ચોકડી પર રાજદીપ સાથે જૂની બોડેલીના હાર્દિક બારીયા, સિદ્ધાર્થ બારીયા સાથે અન્ય ચારેક યુવાનોએ આવીને ઝઘડો કરી મારામારી કરી હતી. ત્યાંથી ઝાખરપુરાના તળાવમાં વિસર્જન કરીને પરત આવતા હતા ત્યારે રસ્તામાં આંતરીને ત્રણેય જણાં સાથે તેના ચારેક મિત્રોએ પથ્થરમારો ચલાવી હુમલો કર્યો હતો. જેમાં 5 યુવાનોને ઘાયલ કર્યા હતા અને અક્ષય ક્યાં છે કહીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

બીજી તરફ ધાણકવાડમાં રાજદીપ બારીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ શિવ મંડળના ગણપતિ સાથે નીકળ્યા હતા અને આગળ ચાલતા ભવાની મંડળની આગળ જતી વખતે એક યુવતી સાથે અજાણ્યે અથડાયો હતો. ત્યારે છોટાનગરના ચિરાગ બારીયા, અર્જુન બારીયા , મુકેશ બારીયા, સુનિલ બારીયા અને અક્ષય બારીયાએ રાજદીપને પટ્ટાથી માર મારી ઇજા પહોંચાડી હતી. મિત્ર ગૌતમ બારીયા રહે. કડીલાને પણ હુમલો કરી ઇજા કરી હતી. જેથી દવાખાને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ ઘર્ષણના બનાવમાં બંને તરફી સામસામી ફરિયાદ થઇ હતી. જેના આધારે કુલ 8 અને અન્ય અજાણ્યા આઠેક મળી કુલ 16 જેટલા સામે પોલીસે ગુનો નોંધીને ધરપકડનો દોર શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...