બોડેલી સંખેડા સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ચાલુ વર્ષે તરબૂચનો મબલખ પાક ઊતર્યો છે. ત્યારે ધોમ ધખતા તડકામાં અથાક મહેનત કરતા ખેડૂતોને વચેટિયાઓ પૂરતો ભાવ આપતા નથી. જેથી કેટલાક ખેડૂતો જાતે તરબૂચનું છૂટક વેચાણ કરવા મજબૂર બન્યા છે. બોડેલીમાં ટ્રેકટર અને ટેમ્પો જેવા વાહનમાં તરબૂચ ભરીને વેચાણ કરતા ઠેરઠેર જોવા મળી રહ્યા છે.
બોડેલી ગામમાં અને હાઇવે રોડ પર ટ્રેક્ટરોમા તરબુચ વેચીને પોતાનો ખર્ચ કાઢવા માટે ખેડૂતો ઘરકામ અને ખેતી કામ છોડીને તરબૂચ વેચતા જોવા મળી રહ્યા છે. અત્યારે બજારમાં તરબૂચનો કિલોનો ભાવ 15થી 20 રૂપિયા બોલાઈ રહ્યો છે. જ્યારે ખેડૂતો પાસેથી વચેટિયા કે વેપારીઓ માત્ર 4થી 5 રૂપિયે કિલો તરબૂચ જથ્થાબંધ લઈ જઈ રહ્યા છે. તેમાં ખેડૂતોને ખર્ચના રૂપિયા પણ મળતા નથી.
મહેનત કરી તરબૂચની ખેતી કર્યા પછી પૂરતા ભાવ ન મળતાં કેટલાક ખેડૂતો જાતે તરબૂચનું છૂટક વેચાણ કરવા માટે મજબૂર બન્યો છે. છતાંય તંત્ર ચૂપ છે. છોટાઉદેપુર જિલ્લામા નદીમાં તેમજ ખેતરોમાં તરબુચનો મબલખ પાકનુ વાવેતર કરી ખેડૂતો ખુબ સારુ વળતર મેળવતા હોય છે અને અહીંના તરબુચ મોટા શહેરો સુધી લઇ જવાય છે.
આ વખતે તરબુચનો ખુબ સારો અને મોટા પ્રમાણમા પાક થયો છે. પરંતુ ખેડૂતોને તેનો ભાવ મળતો નથી. જેના કારણે તેઓની હાલત કફોડી બની છે. મોંઘું બિયારણ લાવી મહેનત કરી પાક તૈયાર કર્યા પછી જો પૂરતો ભાવ ન મળે તો ખેડૂત નાસીપાસ થઈ જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.