વિવાદ:કકરોલીયા સ્થિત શાળામાં એકે બીજા વિદ્યાર્થીને કડું મારી લોહીલુહાણ કર્યો

બોડેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થી પર હુમલો થતાં દવાખાના માં  સારવાર લેવી પડી . - Divya Bhaskar
વિદ્યાર્થી પર હુમલો થતાં દવાખાના માં સારવાર લેવી પડી .
  • શિક્ષકપુત્રના પરાક્રમને લઇને શાળાએ ઢાંક પિછોડો કર્યો હોવાનો આક્ષેપ
  • શાળાએ લોહીલુહાણ વિદ્યાર્થીને માત્ર હળદર લગાવી ઘરે મોકલી આપ્યો

બોડેલી નજીક જાંબુઘોડા તાલુકાના કકરોલીયાની ભક્ત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં ભણતા વિદ્યાર્થીએ નજીવી બાબતમાં તેના જ ક્લાસમાં ભણતા વિદ્યાર્થીને હાથમાં પહેરેલું કડું કાઢીને માથાના ભાગે ઉપરાછાપરી ઘા કરીને જીવલેણ હુમલો કરતાં તમ્મરિયા ખાઈને વિદ્યાર્થી પડી ગયો હતો અને લોહી લુહાણ થયો હતો. જોકે બનાવને લઈને શાળાના જવાબદાર લોકો ઢાંક પિંછોડો કરતા હોય તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

બોડેલીના અલીપુરા વિસ્તારમાં રહેતા અને ક્લાસીસ ચલાવનારનો પુત્ર રોમીલ ભક્ત ઈંગ્લિશ સ્કૂલમાં 12 સાયન્સમાં ભણે છે. તેના ક્લાસ રૂમમાં તેની આગલી હરોળની બેંચીસ પર ભક્ત સ્કૂલનો શિક્ષકપુત્ર સૌરભ બેઠો હતો. ચાલુ ક્લાસ દરમિયાન રોમીલ બોટલ કાઢીને પાણી પીતો હતો, ત્યારે અન્ય છોકરાનો સહેજ ધક્કો વાગતાં આગળ બેઠેલા સૌરભ ઉપર પાણી પડયું હતું. પાણી પડતાં જ સૌરભ એકદમ ઉસ્કેરાઈ ગયો હતો. જોકે ધક્કો વાગવાથી પાણી પડતાં રોમિલે તુરંત સૌરભની માફી માગી હતી.

ક્લાસના બીજા વિદ્યાર્થીઓએ વચ્ચે પડતાં તે વખતે તો બધું શાંત થઈ ગયું હતું. પણ સ્કૂલ છૂટવાના સમયે સૌરભે ફરી ઉશ્કેરાટમાં આવી હાથમાં પહેરેલું કડું લઇને રોમીલની બેંચિસ પાસે જઈને ધક્કો મારી તેને પાડી દઈ કડાથી ઉપરાછાપરી માથામાં હુમલો કર્યો હતો. આથી માથામાં ચાર ઇંચ જેટલો ઘા પડી જતાં તે લોહી લુહાણ થઈ ગયો હતો. તેના મિત્રોએ તેને છોડાવતાં સૌરભ ભાગી ગયો હતો.

જ્યારે ત્યાં હાજર ટીચર દ્વારા ઇજાગ્રસ્ત લોહી લુહાણ વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જવાને બદલે ‘માથામાં પાણી નાખી ધોઈ નાખ અને રસોડામાં જઈને હળદર લગાવી દે મટી જશે અને ઘરે જતો રહે’ તેવી સલાહ આપવામાં આવી હતી. બાદ રોમીલને તેના મિત્રોએ ઘરે પહોંચાડતાં રોમીલને હોસ્પિટલ લઈ ગયા હતા.

આ ગંભીર બનાવના પ્રશ્ને શાળા ટ્રસ્ટીઓએ પગલાં ભરવા જોઇએ તેવી વાલીઓ માંગ કરી રહ્યા છે. શાળામાં ઇજાગ્રસ્ત રોમીલને કેમ પ્રાથમિક સારવાર ન અપાઈ કે પછી ઇજાની ગંભીરતા જોઈ શાળામાંથી જ રોમીલને હોસ્પિટલ કેમ ન લઈ ગયા. આટલો ગંભીર બનાવ છતાં ઇજાગ્રસ્ત રોમીલના પિતાને શામાટે જાણ કરવામાં આવી નહીં.. જેવા અનેક સવાલો ઉભા થયા છે. ઇજાગ્રસ્ત યુવક અને તેના પિતાએ જાંબુઘોડા પોલીસ સ્ટેશનમાં બનાવ સંબંધી લેખિત અરજી કરી છે.

નજીવી બાબતે પુત્ર લોહીલુહાણ થયો છતાં પણ મને જાણ કરી નહીં : પિતા
ભક્ત ઈંગ્લિશ શાળામાં મારા પુત્ર રોમીલને નજીવી બાબતે બીજા વિદ્યાર્થીએ જીવલેણ હુમલો કરી લોહી લુહાણ કર્યો છતાં ના શાળામાંથી સારવાર અપાઈ કે ના હોસ્પિટલ લઈ જવાયો. ફક્ત હળદર લગાવી ઘરે મોકલી આપવામાં આવ્યો. બાદમાં શાળામાંથી ફોન આવ્યો કે તમારો પુત્ર ઘરે આવ્યો છે. પરંતુ આટલો મોટો બનાવ બન્યો તે અંગે કશું પણ કહ્યું નહિ. શિક્ષક પુત્ર દ્વારા કરાયેલા હુમલાને લીધે આ આખા ય બનાવમાં શાળામાં ઢાંક પિછોડો થયો છે. ખરેખર શાળાએ પગલાં ભરવા જોઇએ, જેથી ફરી આવો બનાવ ન બને. જો કોઈ પગલાં નહિ ભરાય તો ભવિષ્યમાં કોઈ પણ બનાવ માટે શાળાને પગલાં ભરતા મુશ્કેલી પડશે. - દેવલ જયસ્વાલ, હુમલાનો ભોગ બનનાર વિદ્યાર્થીના પિતા

અન્ય સમાચારો પણ છે...