તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળાએ માથું ઊંચક્યું:ટાઈફોઈડના 10 કેસ નોંધાતાં લોકોમાં ફફડાટ

જબુગામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જબુગામમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું
  • પીવાના પાણીની લાઇનમાં દૂષિત પાણી મિક્સ થતાં રોગચાળો વકર્યો: ગ્રામજનો

બોડેલી તાલુકાના જબુગામમાં પાણીજન્ય રોગચાળાએ માથુ ઉંચક્યું છે. જેમાં એક પછી એક ટાઈફોઈડના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. વિસ્તારમાં છેલ્લા ત્રણ-ચાર દિવસમાં ટાઈફોઈડના 10 જેટલા કેસ મળી આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

જેથી ગામ પંચાયત તંત્ર તેમ જ આરોગ્ય આરોગ્ય વિભાગની ટીમ પણ દોડતી થઇ છે. જબુગામ વિસ્તારમાં પીવાના પાણીની લાઇનમાં પંચર પડી જતાં દૂષિત પાણી મિક્સ થતું હોવાથી ગામમાં રોગચાળો વકર્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. જોકે તાજેતરમાં જ જબુગામ ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામ અર્થે નવીન પાણીની લાઇનો સહિત રસ્તા ગટરના કામો ચાલી રહ્યા છે.

સાથે સાથે થોડા થોડા દિવસે પંચાયત તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાન પણ કરવામાં આવે છે. તેમજ પંચાયત દ્વારા ગામમાં લાઉડ સ્પીકર સાથે કચરાની ગાડી દ્વારા ઘેરઘેર ફરીને કચરો ઉઘરાવવામાં આવે છે. તેમ છતાં બીજી બાજુ ગામમાં પાણી અને વાયરલ અન્ય બીમારીઓએ પણ માથું ઊંચક્યું છે. તેને અટકાવવાના પગલાં તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે. જબુગામ રેફરલ હોસ્પિટલના તબીબ ડૉ કશ્યપ ખંભાળિયાના જણાવ્યા મુજબ ટાઈફોઈડએ પાણી દ્વારા ફેલાતો રોગ છે અને ખાસ કરીને ચોમાસામાં વધારે જોવા મળે છે.

જે બેક્ટેરિયા દ્વારા ફેલાય છે અને અશુદ્ધ પાણી તથા ખોરાકથી ફેલાઈ શકે છે. આ રોગના લક્ષણ માં લાંબા ગાળા સુધી તાવ આવવો, પેટમાં સતત દુખાવો થવો તથા માથાનો દુખાવો જોવા મળે છે. હાલમાં લોકોએ પાણી ઉકાળીને પીવું જોઈએ જબુગામ ગ્રામ પંચાયત દ્વારા ગંદકી પ્રત્યે દુર્લક્ષ રાખતા કસુરવારોને પણ ગંદકી ન કરવા સૂચના આપી હતી. જેથી ગંદકી ફેલાવતા કસુરવારોમાં ફફડાટ ફેલાયો છે. તંત્ર દ્વારા દવા છંટકાવ કરવામાં આવે તેવી ગ્રામજનોની માગ ઉઠવા પામી છે. ઉલ્લેખનીય છે કે જબુગામમાં કોરોનાનો કહેર ઘટી રહ્યો છે.

ત્યારે ચોમાસાની ઋતુ પોતાની સાથે વરસાદનો અનેરો આનંદ તો લાવે છે પરંતુ સાથે સાથે અનેક પ્રકારના રોગ પણ લાવે છે. ચોમાસામાં ભેજવાળા વાતાવરણ સાથે અસહ્ય ઉકળાટના લીધે તથા પાણી ભરાવાને લીધે ઘણા પ્રકારના રોગ થઈ શકે છે આમ ઘણા રોગ જીવલેણ બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...