વિક્રમી ભાવ પડ્યો:રૂ 8000થી રૂ 8383 પ્રતિ ક્વિન્ટલ કપાસના ભાવ પડતાં ખેડૂતો ખુશ

બોડેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોડેલી માર્કેટમાં 227 કપાસના વાહનો વચ્ચે વિક્રમી ભાવ પડ્યો
  • તા. 2થી 7 સુધી માર્કેટમાં હરાજી સહિતનંુ કામકાજ બંધ રહેશે

બોડેલી બજાર સમિતિમાં સોમવારે કપાસની આવકમાં ધરખમ વધારો થવા સાથે ભાવમાં પણ અભૂતપૂર્વ ઉછાળો આવ્યો હતો. 227 કપાસના વાહનોની આવક વચ્ચે પ્રતિ ક્વિન્ટલ 8000 રૂપિયાથી 8383 રૂપિયા સુધીનો ભાવ પડતાં ખેડૂતોની દિવાળી સુધરી ગઈ હતી.દિવાળીના તહેવારોની હારમાળાના પ્રથમ દિવસે બોડેલી માર્કેટમાં કપાસની આવક વધી હતી. 227 જેટલા કપાસ ભરેલા વાહનોએ હરાજીમાં ભાગ લીધો હતો. ઉપરાંત જીનોમાં ડાયરેક્ટ કપાસની આવક અલગ જોવા મળી હતી.

તા. 2 નવેમ્બરથી તા. 7 નવેમ્બર સુધી દિવાળીની રજાઓ હોવાથી મહિનાના પહેલા દિવસે અને દિવાળી અગાઉની છેલ્લી હરાજી માટે ખેડૂતો પોતાનો કપાસ વેચાણ અર્થે લાવ્યા હતા. અને અંદાજે ત્રણ હજાર ક્વિન્ટલ જેટલો કપાસ એક જ દિવસમાં આવ્યો હતો. 8000થી 8383 રૂપિયા ભાવ પડતાં ખેડૂતોની દિવાળી સુધરતાં બજારમાં ઘરાકી જોવા મળી હતી. હવે લાભ પંચમના આગલા દિવસે નવા વર્ષ માટે કપાસ ખરીદી શરૂ થશે. ત્યારે ભાવમાં હજી ઉછાળો આવી 9000 રૂપિયા સુધી પહોંચે તેવી વકી દેખાય છે. બોડેલી બજારમાં ઘરાકી પૂરજોશમાં નીકળતા માર્ગો પર ચક્કાજામ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...