તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દૂધઉત્પાદકોમાં ખુશી:ધોળીવાવની બંધ દૂધ મંડળી બે વર્ષે શરૂ કરાઈ

બોડેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
દૂધ ડેરી બે વર્ષ પછી  કાર્યરત થયા દૂધ ઉત્પાદકોમાં ખુશી ફેલાઈ. - Divya Bhaskar
દૂધ ડેરી બે વર્ષ પછી કાર્યરત થયા દૂધ ઉત્પાદકોમાં ખુશી ફેલાઈ.
  • દૂધ ઉત્પાદકોએ તાળા બંધી કરી હતી : પ્રથમ દિવસે જ 250 લિટર દૂધનું કલેક્શન થયું

બોડેલી તાલુકાના ધોળીવાવ ગામે છેલ્લા બે વર્ષથી દૂધઉત્પાદકોએ તાળાબંધી કરીને જે દૂધ ડેરી બંધ કરી હતી. તે ધોળીવાવ દૂધડેરીમાં વહીવટદાર મુકીને શરૂ કરવામાં આવતા દૂધઉત્પાદકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જેના પ્રથમ દિવસે જ 250 લીટર દૂધનું કલેકશન થવા પામ્યું હતું.

ધોળીવાવ ગામમાં તાલુકાની મહત્વની ગણાતી દૂધડેરીમાં 2007થી ડેરીના વહીવટદારો 12મુદ્દાઓ જેવા કે સાધારણ સભા ન બોલાવવી, સાધારણ સભામાં બારોબાર ખોટી સહીઓ કરવી, ઠરાવો કરવા, હિસાબ ન આપવો, બોનસનું વિતરણ ન કરવું, બીજાના નામે દૂધ ભરવું, બિલ ન ચૂકવવા પર યોગ્ય રજૂઆત કરવા છતાં દૂધ ઉત્પાદકોની રજૂઆતોને માળિયે ચઢાવવામાં આવતી હતી. દૂધઉત્પાદકોએ જિલ્લા રજિસ્ટ્રારને આ અંગે લેખિતમાં અરજી આપતા કોઈ સુનાવણી હાથ ધરવામાં આવતી નહોતી. જેથી 13 વર્ષની લાંબી લડત બાદ યોગ્ય નિકાલ ન આવતા 2019માં દૂધઉત્પાદકોએ સામુહિક દૂધડેરીને જ્યાં સુધી 12મુદ્દાના પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી તાળાબંધી કરી દીધી હતી.

ધોળીવાવના દૂધઉત્પાદકો ગામની ડેરીને તાળું લગાવી અન્ય બાજુના ગામ પાંધરા, કકરોલીયા, વિસાડી ખાતે 2.5થી 3 કિમી દૂર અંતરે જવા મજબુર બન્યા હતા. આખરે દૂધઉત્પાદકોએ છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ સહીત સાંસદ ગીતાબેનનો દરવાજો ખખડાવતા પ્રભારીમંત્રીની સીધી સૂચનાથી જિલ્લા રજિસ્ટ્રારને તાત્કાલિક હેઠળથી ધોળીવાવ દૂધ ડેરીના પ્રશ્નને હલ કરવા જણાવવામાં આવ્યું હતું. જિલ્લા રજિસ્ટાર બી.સી. ચૌધરીની સૂચનાથી એ.એમ.રોહિત અને જોશીને વહીવટદાર તરીકે નિમણુંક કરી દૂધઉત્પાદકોના હિતમાં દૂધડેરીને પુનઃ શરુ કરવામાં આવી હતી.

જેના પ્રથમ દિવસે 250 લીટર દૂધ એકઠું કરવામાં આવ્યું હતું. દૂધડેરી પુનઃ શરૂ થતા ગ્રામજનોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. દૂધઉત્પાદકોને 2.5થી 3 કિમી દૂધ ભરવામાંથી મુક્તિ મળતા વહીવટદારો, પ્રભારીમંત્રી બચુભાઈ ખાબડનો આભાર વ્યક્ત કર્યો હતો. ધોળીવાવ દૂધડેરીના વહીવટદારો આગામી સમયમાં દૂધઉત્પાદકોએ આપેલ 12 મુદ્દાઓ પર તપાસ હાથ ધરી યોગ્ય નિરાકરણ લાવવા બાંહેધરી આપી હતી. આમ 14 વર્ષની લાંબી લડત અને છેલ્લા બે વર્ષથી તાળાબંધી કરેલ દૂધડેરી પુનઃ શરુ કરાતા દૂધઉત્પાદકોમાં ખુશી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...