બોડેલી તાલુકાના જબુગામ વિસ્તારમાંથી પસાર થતી ઓરસંગ અને મેરીયા નદી ઉપર ચેકડેમ બનાવવાની ખેડૂત આલમની માગ ઉઠવા પામી છે. છોટાઉદેપુર જિલ્લામાં ચેકડેમ બનાવવાની યોજનાઓ પાછળ અબજો રૂપિયા ખર્ચ થયા છે. ત્યારે જબુગામ વિસ્તારમાંથી પસાર થતી નદીઓ ઉપર ચેકડેમ બનાવવામાં આવે તો આ વિસ્તારના ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાનું કામ, ચેકડેમ બનાવવામાં આવે તો ખેડૂતોને પિયતની ખેતી માટે પાણી પૂરતા પ્રમાણમાં મળે, જેથી ખેડૂતોની ખેતીને જીવતદાન મળી રહે. ઓરસંગ નદીમાં બેરોકટોક કાયદેસર ગેરકાયદેસર રેત ખનન કરતા નદીની દિશા અને દશા બદલાઈ ગઈ છે.
જળસ્તર વધુ ઊંડા જતા પિયતના પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. જળ સ્તર નીચા જવા માટે રેત ખનન માફીયાઓએ નદીનો દાટ વાળ્યો છે. નીતિ નિયમો નેવે મૂકી આડેધડ ખોદકામ કરી સરકારી ધારાધોરણ વિરુદ્ધ ઊંડા ખોદકામ કરી રેત ખનન કરતા જળ સ્તર ઉંડાણમાં જતા ખેડૂતોના કૂવા, બોર પણ હાલમાં જ ડચકાં ખાઈ રહ્યા છે. ભૂગર્ભ જળ ઊંડા જતા પાણીની તંગી અત્યારથી જ સર્જાતા ઓરસંગ કાંઠાના વિસ્તારોમાં મે મહિનાના ઉનાળામાં શું હાલત થશે તેવી ચિંતામાં ખેડૂતો ગરકાવ બન્યા છે. બોડેલી તાલુકામાં વિશાળ પટ ધરાવતી ઓરસંગ નદી નીકળે છે તો તે ડ્રૈઈનેઝ બેઝિનમાં દરિયામાં વહી જતું પાણી રોકવા સ્થાનિક કક્ષાએ ભૂગર્ભ જળ રિચાર્જ કરવાના ઈરાદે ચેકડેમ યોજના અમલમાં મુકાઈ હતી.
ચેકડેમ બનાવવામાં આવે તો ભૂગર્ભ જળ ઊંચા આવશે જેથી કૂવા, બોરમાં પાણી સાથે ભૂગર્ભ જળ રિચાર્જ થાય જે પીવાના પાણી અને ખેતી માટે ઉપયોગી થઈ શકશે. 20 વર્ષ પહેલાં 20થી 30 ફૂટની ઊંડાઈ એ પાકા પાણી હતાં. જ્યારે હાલમાં 70 ફૂટ ઉપરાંતની ઉંડાઈએ પણ પાણી મળતાં નથી. જબુગામના ખેડૂત આગેવાન રાજનભાઈ પરીખના જણાવ્યા મુજબ કેળા કિંગ તરીકે પ્રખ્યાત જબુગામ વિસ્તારમાં ઉનાળામાં કેળાની ખેતી નિષ્ફળ જવાની દહેશત સેવાઇ રહી છે. પાણી એ મનુષ્ય સહિત દરેક જીવ માટે મૂળભૂત જરૂરીયાત છે. ત્યારે આવનારા દિવસોમાં પાણી માટે વલખાં મારવાં પડશે એવું ખેડૂત આલમમાં ચર્ચાઈ રહેવા સાથે તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. જેથી આ વિસ્તારના ખેડૂતો દ્વારા નદી ઉપર ચેકડેમ બનાવવાની માગ ઉઠવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.