બોડેલીના ગરીબ પરિવારની પુત્રી અને બોડેલી શીરોલા વાલા હાઇસ્કૂલમાં ભણતી દીપાલી રાઠવા તિરંદાજી સ્પર્ધામાં રાષ્ટ્રકક્ષાએ બે ગોલ્ડ, એક સિલ્વર મેડલ જીતી લાવીને બોડેલી સહિત સમગ્ર વિસ્તાર અને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે.
બોડેલીની કોટન જીનમાં મજૂરી કરતા પિતા સાથે ક્વાર્ટરમાં રહેતા પરિવારની દીકરી બોડેલીની શાળામાં ભણવા સાથે તીરંદાજીની છેલ્લા પાંચ વર્ષથી પ્રેક્ટિસ કરે છે. તેની જરૂરિયાત તો પિતા પૂરી ન કરી શકે પણ તેમના સ્વજનો મદદ કરતા અને પ્રોત્સાહન આપતાં. જેનું ફળ દીપાલીને મળ્યું છે. ગરીબ પરિવારમાં ઉછરેલી દીકરી દેશમાં તીરંદાજીમાં અવ્વલ નંબર મેળવતાં આદિવાસી સમાજ માટે ગૌરવ લેવા જેવી બાબત છે..
અગાઉ રાજ્યના 11મા ખેલ મહાકુંભની રાજય કક્ષાની તિરંદાજી સ્પર્ધામાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગૈડીયા ગામની દીકરી દિપાલી કનુભાઈ રાઠવાએ અંડર 17માં સિલ્વર મેડલ જીતીને ગામનું તથા શિરોલાવાલા હાઈસ્કૂલનું ગૌરવ વધાર્યું હતું. જેથી તેને છત્તીસગઢમાં રમવા જવાનો મોકો મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બોડેલી પાસેની કોલેજની બાજુમાં રમત સંકુલમાં કાર્યરત આર્ચરી કોચ નરપતભાઈ રાઠવા પાસે દીપાલીએ તાલીમ લીધી છે. આ સિદ્ધિ હાંસલ કરવા બદલ તીરંદાજ દીપાલી તથા કોચ નરપતભાઈને આગેવાનોએ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.