માંગણી:છત્રાલીની શાળા જર્જરિત હોવાથી અંધારી ઓરડીમાં ભણતા બાળકો

બોડેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
છત્રાલીની શાળા જર્જરીત હોવાથી બાળકો શાળાના કાર્યાલયમાં બેસી અભ્યાસ કરી રહ્યા છે. - Divya Bhaskar
છત્રાલીની શાળા જર્જરીત હોવાથી બાળકો શાળાના કાર્યાલયમાં બેસી અભ્યાસ કરી રહ્યા છે.
  • બોડેલી તાલુકાની 43 શાળાના 106 જર્જરિત ઓરડા નવા બન્યા નથી
  • 100થી વધુ બાળકો માટે ભણવા માટે તંત્ર વ્યવસ્થા ઊભી કરે તેવી માગ

બોડેલી તાલુકાના છત્રાલી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં 100 કરતાં વધુ વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે. પણ બાળકોને અભ્યાસ કરવા માટે બિલ્ડીંગ નથી. 2001-02માં બનેલી શાળાના મકાનની ખંડેર હાલત હોવાથી બાળકો શાળાના કાર્યાલય અને સી.આર.સીના લાઈટ વગરના અંધારા ઓરડામાં બેસી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરી રહ્યા છે.

બોડેલી તાલુકાના છત્રાલી ગામે વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવેલ શાળાનો એક પણ ઓરડો ઉપયોગ લેવાય તેમ નથી. જ્યાં બાળકો અભ્યાસ કરે છે ત્યાં લાઈટ કે પંખોજ નથી. બાળકો અત્યારે સીઆરસીનો એક ઓરડો છે અને બીજો પતરાના સેડમાં શાળાના કાર્યાલયનો ઓરડો છે. ત્યાં બેસીને અભ્યાસ કરે છે. વર્ષોથી ગ્રામજનો દ્વારા વારંવાર ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી રહી છે. પણ શાળાની મરામત કરવામાં આવતી નથી.

બોડેલી તાલુકાની 217 શાળાઓ પૈકી 43 શાળાના 106 જેટલા ઓરડા જર્જરિત કે બેસવા યોગ્ય જ નથી. તેનો રિપોર્ટ આવ્યો છતાં કોઈ કામગીરી થઈ નથી. રાજ્ય સરકાર ગુજરાતમાં હાલમાં એક્સલેન્સ સ્કૂલ બનાવવા માટે પ્રયાસ કરી રહી છે. પરંતુ અહીંયા પરિસ્થિતિ કઈ અલગ જોવા મળી રહી છે. એક્સેલન્સ સ્કૂલમાં સ્માર્ટ ઓરડા અને અદતન ટેકનોલોજીથી શિક્ષણ આપવાનું હોય છે. પરંતુ બોડેલી તાલુકાના છત્રાલ ગામની આ શાળાના 100 કરતાં વધુ બાળકો માટે સ્કૂલનું મકાન જ નથી.

આ શાળાનું બિલ્ડીંગ જ્યારે બનાવવામાં આવ્યું ત્યારથી જ ગુણવત્તા વગરનું કામ કરવામાં આવેલું હોય તેમ આ વિસ્તારના લોકો જણાઈ રહ્યા છે. આ મકાન બન્યાના અંદાજે 20 વર્ષ થયાં છે. માત્ર 20 વર્ષમાં આ મકાન ખંડેર હાલતમાં છે. સરકર વહેલી તકે સ્કૂલ માટે નવીન ઓરડા બનાવી આપવામાં આવે તેવી ગ્રામજનો અને સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓની માગ છે.

અન્ય સમાચારો પણ છે...