બોડેલી તાલુકાના ચલામલી સહિત સમગ્ર વિસ્તારના ખેડૂતોને ટામેટાના ખૂબ જ ઓછા ભાવ મળી રહ્યા છે. મોંઘુ બિયારણ અને મહેનત કર્યા પછી પણ પૂરતું વળતર ન મળતા ખેડૂતો ને રાતા પાણી એ રોવાનો વખત આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના ટીંબી, ગડોથ, સુસ્કાલ, કુકણા, ચાપરગોટા, મુલધર, ફેરકુવા, અથવાલી,બડાલીયા, રંગપુર, મુંડામોર, રંગપુર, લાલપુર, ખેરકા સહિત વિવિધ ગામોમાં ધરતીપુત્રોએ ટામેટાની ખેતી ખુબ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે.
પરંતુ હાલમાં ખેતરમાં તૈયાર થયેલા મબલખ પાકને તોડવામાંથી માંડીને અન્ય સ્થળો પર વેચવા લઈ જવા માટે 70થી 100 રૂપિયાનો ખર્ચ આવે છે અને બજારમાં વેચવા જતાં રૂ.150નો મણનો ભાવ મળતા ખેડૂતોને નુકસાન વેઠવું પડે છે. ત્યારે હાલમાં આ વિસ્તારના ધરતીપુત્રો ટામેટાના ભાવ મળે તે અર્થે વડોદરા, સુરત, અમદાવાદ, રાજકોટ જેવા શહેરી વિસ્તારોમાં ટેમ્પા, ટ્રકોમાં કેરેટ, પુઠાના ખોખા દ્વારા ટામેટા વેચવા લઈ જઈ રહ્યા છે. પરંતુ બાવાના બેઉ બગડ્યા હોય એમ પુરતા પ્રમાણમાં ભાવો ન મળતાં નુકસાન થઈ રહ્યું હોવાનું ટીંબીના ખેડૂત અગ્રણી પોપટભાઈ રાઠવા, મુકેશભાઈ રાઠવા સહિતના ખેડૂતો જણાવી રહ્યા છે.
ટામેટાના ભાવ અપુરતા મળતા હોવાથી ખેતરમાં નાખેલા ખાતર,દવા,બિયારણના ખર્ચાઓ માથે દેવા રૂપ બનીને હાલમાં દેવાના બોજ હેઠળ દિવસો વિતાવવા પડે છે. જબુગામ,ચલામલી પંથકમાં ટામેટાના ભાવ ન મળતાં ખેડૂતો ઘોર હતાશાની ગર્તામાં જોવા મળે છે. ટામેટાની લ્હાણી કરીને પશુઓને નાખી દે એવી સ્થિતિનું નિર્માણ થયેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.