બોડેલી નજીક આવેલી અલીખેરવા જૂથ ગ્રામ પંચાયત પાસે પોતાની કચેરી ન હોવાથી ભાડાના મકાનમાં પંચાયતનો વહીવટ થઈ રહ્યો છે. છેલ્લા સાતેક મહિનામાં ભાડાની ત્રણ જગ્યાઓ બદલતા પ્રજા પણ બાય બાય ચારણી કરી રહી છે.
છોટાઉદેપુર જિલ્લાની મોટી ગણાતી અલીખેરવા જૂથ ગ્રામ પંચાયતમાં વર્ષે દહાડે લાખો રૂપિયાની ગ્રાન્ટ વિકાસ કામો માટે આવતી હોય છે. છતાં કચેરી બનાવવાનો સમય મળતો નથી. પંચાયતમાં અલી ખેરવા, રાજ ખેરવા, અલીપુરા અને મંજીપુરા ગામનો સમાવેશ થાય છે. વિસ્તારની દ્રષ્ટિએ બોડેલીથી મોટી પંચાયત ગણાય તેવી અલી ખેરવા પંચાયતનો વહીવટ ભાડાના મકાનમાં થઈ રહ્યો છે. વર્ષોથી અલી ખેરવા પંચાયતનો વહીવટ ઢોકલિયા પંચાયત કચેરીમાં જ થતો હતો. બન્ને પંચાયતના તલાટી પણ એક જ હોય છે.
પણ આગલી ટર્મમાં સરપંચ રહેલા કંચનભાઈ પટેલે પ્રજાને છેક ઢોકલિયા સુધી લાંબુ ન થવું પડે તે માટે અલીપુરાના ગજાનંદ કોમ્પલેક્ષમાં ભાડાની બે દુકાનો લીધી અને ત્યાં કચેરી કાર્યરત કરી અને 5 વર્ષ પૂર્ણ થતાં ચૂંટણી અગાઉ જ તેની સામે જ નવી કચેરી માટે ઓફિસ ભાડે લીધી હતી. ત્યાં માંડ છ મહિના વહીવટ ચાલ્યો ત્યાં તો ફરી નવજીવન સ્કૂલ આગળ જુલાઈ મહિનાથી ત્રીજી ભાડાની જગ્યામાં કચેરી શરૂ કરી છે. હવે ત્યાં કેટલો સમય ચાલે છે તે જોવું રહ્યું. પૂર્વ સરપંચ કંચન ભાઈ પટેલના સમયે નવી કચેરી તળાવ પાસે બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. પણ કોક કારણોસર કચેરી બની શકી ન હતી.
હવે બાય બાય ચારણીના ચક્કરમાં પ્રજાને ધક્કા પડી રહ્યા છે. ભાડાના મકાનમાં કચેરી ચલાવવા માટે પણ કોઈ મંજૂરી લેવાઈ નથી. તેમ જાણવા મળ્યું છે. તેથી જ ફરી અલી ખેરવા પંચાયતનો વહીવટ ઢોકલિયા પંચાયતમાં લઇ જવા માટે તલાટી કહી રહ્યા છે.
નવી કચેરી બનાવવાનું વિચારણા હેઠળ છે
અલીપુરા ચાર રસ્તા પર અલીખેરવા પંચાયતની જૂની કચેરી છે તે તોડીને નવી બનાવવી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પડતર જગ્યામા નવી કચેરી બનાવવી કે પછી સુખી કોલોની પાસે પંચાયતની જગ્યામાં કચેરી બનાવવી તે વિચારણામાં છે. કચેરી માટે સરકારે અગાઉ 18 લાખ રૂપિયા મંજૂર કર્યા છે. > ગંગાબેન, સરપંચ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.