ક્રાઈમ:બોડેલીમાં એક હોટેલ અને 9 દુકાનો 10 દિવસ માટે સીલ કરાતાં ફફડાટ

બોડેલી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાંઉભાજીની હોટેલ પર ગ્રાહકોને અંદર બેસાડી જમાડતો વીડિયો વાઇરલ થતાં કાર્યવાહી
  • નવ દુકાનો પર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતાં SDMએ કેસ કર્યો

બોડેલીના અલીપુરા ચારરસ્તા પર પાવભાજીની હોટેલમાં ગ્રાહકોને અંદર બેસાડીને જમાડતા તેની સામે કેસ કરીને 10 દિવસ માટે હોટેલ સીલ કરી દીધી હતી. જ્યારે અન્ય નવ સ્થળે ગ્રાહકો માસ્ક વિના અને સામાજિક અંતર જાળવ્યા વિના જોવા મળતા એસડીએમ દ્વારા તેઓ પર જાહેર નામાનો ભંગ બદલ કેસ કરીને તેઓની દુકાન પણ 10 દિવસ માટે સીલ કરાતા વેપારી આલમમાં ફફડાટ ફેલાયો છે.

બોડેલી કોરોનામુક્ત બન્યું છે, એટલે કેટલાક દુકાનદારો અને ગ્રાહકો હવે કોરોના નહિ આવે તેમ સમજી માસ્ક વિના અને સામાજિક અંતર જાળવ્યા વિના જોવા મળી રહ્યા છે. ત્યારે અલીપુરા ચારરસ્તા પર લક્ષ્મી પાવભાજી હોટેલ પર બપોરે ગ્રાહકોને અંદર બેસાડીને જમાડતા હોવાનો એક વીડિયો વાઇરલ થયો હતો. જેથી મામલતદાર અને પોલીસ દ્વારા સાંજે સ્થળ પર જઈને હોટેલ 10 દિવસ માટે સીલ કરતું બોર્ડ લગાવી દઈને હોટેલ માલિક મુકેશ તૈલી સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો હતો.

જ્યારે બીજા દિવસે બોડેલીની નવ દુકાનોમાં ગરબી ચોકમાં રોહિત જામન ઇસરાની, મહેશ પરસોતમદાસ પંચાલ, સંજય ઠક્કરની, સચિન જગદીશ શાહ, સંદિપ રામનિવાસ શર્મા, અજિત ગિરીશચંદ્ર ઠાકર, ફજલ અબ્દુલ મજીદ ખત્રી વિગેરેની દુકાનો પર ગ્રાહકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કર્યા વગર જોવા મળ્યા હતા. જેથી જાહેર નામાના ભંગ બદલ 10 દિવસ માટે દુકાન સીલ કરાતા બોડેલી, ઢોકલીયા અને અલીપુરા વિસ્તારનાં દુકાનદારોમાં ફફડાટ વ્યાપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...