બોડેલીની જમના પાર્ક સોસાયટીમાં આવેલા ઈન્દ્ર કોમ્પલેક્ષ 3 માં પાંચમા માળે સમી સાંજે બંધ મકાનમાં શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હતી. આગની ખબર મળતાં જ કોમ્પલેક્ષના છ માળે રહેતા તમામ ફ્લેટના લોકો નીચે રસ્તા પર આવી ગયા હતા. જોકે સમયસૂચકતા વાપરી મકાન ખોલી આગ પર કાબૂ લેવાતાં વધુ નુકસાન થતું અટક્યું હતું.
ઈન્દ્ર કોમ્પલેક્ષમાં કુલ છ માળ આવેલા છે. તેમાં પાંચમા માળે રહેતા કમલ કિશોર ડેપો પાસે ઘર સંસાર નામે પ્લાસ્ટિકનો સેલ ચલાવે છે. તેઓ દુકાને હતા અને પરિજનો વતન રાજસ્થાન ગયા હોવાથી મકાન બંધ હતું. સાંજે અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. જેની લપેટમાં બારીનો પડદો અને સોફો આવ્યો હતો.
આગની ગંધ અને ઘુમાડો બહાર આવતાં જ આજુબાજુના લોકોમાં દોડધામ મચી હતી. સૌ ઘરમાંથી બહાર નીચે આવી ગયા હતા. જમના પાર્કમાં પણ લોક ટોળાં એકત્ર થયા હતા. બંધ મકાનને ખોલીને લોકોએ આગ બુઝાવી હતી. ફાયર ફાઈટર આવ્યા ત્યાં સુધી આગ શાંત પડી ગઇ હતી.
કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટી ન હોવાનો પણ સોસાયટીમાં ગણગણાટ થતો હતો. મોટી દુર્ઘટના સર્જાય તો આગ બુઝાવવાની કામગીરી મુશ્કેલ થઈ પડે તેમ છે. આગ પર કાબૂ આવતાં મોટુ નુકસાન થતાં અટક્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.