તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અચાનક વંટોળ આવ્યું ને...:બોડેલીના અંતરિયાળ કથોલા ગામે લગ્ન પ્રસંગમાં બાંધેલો મંડપ 3 યુવકોને લઈ 40 ફૂટથી વધુ ઊંચે ઊડ્યો!

બોડેલી2 મહિનો પહેલા
બોડેલીના કથોલા ગામે અચાનક વંટોળ ફૂંકાતાં મંડપ પકડીને ઊભેલા 3 લોકો પણ હવામાં ઊડ્યા હતા.
  • 100થી વધુ લોકોની હાજરી હોવાથી ગુનો નોંધાયો
  • ત્રણેય ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા

બોડેલી તાલુકાના અંતરિયાળ કથોલા ગામે યુવતીના લગ્ન પ્રસંગે ઘર આંગણે બાંધેલો મંડપ અચાનક આવેલા વંટોળિયામાં તૂટીને આશરે 40થી 50 ફૂટ ઊંચે ઊડ્યો હતો. મંડપના થાંભલાને પકડીને ઊભેલા 3 યુવકો પણ મંડપ સાથે ઊડ્યા હતા. જેમાં ત્રણેયને ઇજા પહોંચી હતી.

લગ્ન હોવાથી મંડપ બાંધવામાં આવ્યો હતો
ઘટનાનો વીડિયો વાઇરલ થતાં જ પોલીસે પરવાનગી વિના અને ડીજે સાથે 100થી વધુ લોકોની હાજરીમાં યોજાયેલા લગ્ન બદલ આયોજક સામે ગુનો નોંધ્યો હતો. બોડેલી તાલુકાના વાલોઠી બમરોલી નજીક કથોલા ગામે ડુંગર ફળિયામાં રહેતા અરવિંદ રાઠવાની દીકરીના લગ્ન નજીકમાં જ આવેલા પાવીજેતપુર તાલુકાના ઝાબ ગામના યુવક સાથે નક્કી કર્યા હોય તે નિમિત્તે 5 મેના રોજ ઘર આંગણે મંડપ બાંધ્યો હતો.

અચાનક વંટોળ આવ્યું ને ત્રણ લોકો ઉડ્યાં
બપોરે 100થી વધુ લોકોની હાજરી વચ્ચે ગ્રહશાંતિ ચાલી રહી હતી. લગ્ન માટે ડીજે સાથે વરઘોડો પણ આવ્યો હતો ત્યારે ઓચિંતું વંટોળિયું આવતાં મંડપ હાલક-ડોલક થવા લાગ્યો હતો. જેથી મંડપ તૂટે નહિ તે માટે 3 યુવકોએ થાંભલો પકડ્યો હતો. જોકે વંટોળ એટલું તેજ ગતિએ આવ્યું કે, મંડપ તૂટીને 40થી 50 ફૂટ ઊંચે ઊડ્યો હતો, સાથે ત્રણેય યુવકો પણ ઊડ્યા હતા. આ ઘટનામાં ત્રણેય યુવકોને ઈજા થઈ હતી. લગ્ન પ્રસંગે ચાલતી ગ્રહશાંતિવેળા ઘટના બનતાં ગ્રામજનોમાં દોડધામ મચી હતી.

4 પૈકી 1 યુવકે થાંભલો છોડી દેતાં બચી ગયો
ગ્રહશાંતિ ચાલતી હતી તે વેળાએ વંટોળ આવતાં મંડપ ન ઊડે તે માટે 4 યુવકો ચારેય થાંભલા પકડીને ઊભા હતા. જોકે તેજગતિનું વંટોળિયું આવતાં એક યુવકે થાંભલો છોડી દીધો, પણ ત્રણ યુવકોએ થાંભલો પકડી રાખ્યો હોવાથી મંડપ સાથે તેઓ પણ ઊંચે ઊડ્યા અને બે યુવકો છાપરા પર પટકાયા હતા, જ્યારે એક યુવક જમીન પર પડ્યો હતો.ત્રણેને ઇજા થઇ હતી.