તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:જબુગામમાં 15 પોઝિટિવ, સરપંચ પણ કોરોના સંક્રમિત

જબુગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા ત્રણ દિવસમાં કોરોના બોમ્બ ફૂટ્યો
  • ગામડામાં કોરોના ટેસ્ટિંગ ન થતાં દર્દીઓ તાવ, ખાંસી, શરદીની દવા લઇ રહ્યાં છે

બોડેલી તાલુકાના જબુગામમાં છેલ્લા ત્રણ દિવસમાં મહામારી કોરોના વાઇરસનો બોમ્બ ફૂટ્યો હોય તેમ 15 જેટલા કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. જેમાં જબુગામના સરપંચ દિલીપભાઈ રાઠવા પણ કોરોના સંક્રમિત થવા સાથે રજપુત ફળિયાના એક ઘરના જ 4 સદસ્ય એક સાથે કોરોના સંક્રમણની ઝપટમાં આવી ગયા છે. તેમજ બીજા બે યુવાનો સહિત જબુગામના આદિવાસી એવા તડવી ફડિયામાં પણ ચાર કેસ પોઝિટિવ આવ્યા છે.

મોચી ફળિયામાં એક તેમજ અન્ય ફળિયામાં ત્રણ કેસ નોંધાયા છે. આમ જબુગામ સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનું સંક્રમણ તેજ ગતિએ ફેલાઈ રહ્યું છે. આ સંક્રમણ હવે ગામડાં સુધી પહોંચ્યું હોવાથી આવનારા દિવસોમાં કોરોનાના દર્દીઓમાં ઘણો ચિંતાજનક વધારો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

જબુગામ વિસ્તારમાં કોરોનાના કહેર વચ્ચે લક્ષણો ધરાવતાં દર્દીઓની કતારો ક્લિનિક પર જોવા મળી રહી છે. ગામડામાં કોરોનાનું ટેસ્ટિગ થતું ન હોવાથી કોરોનાના દર્દીઓની ઓળખ થતી નથી અને આવા દર્દીઓ તાવ, ખાંસી, શરદી વગેરેની દવા લઈ રહ્યા છે. જબુગામ પંથકના ગામડાઓમાં છેલ્લા એક-દોઢ મહિનાથી મૃત્યુમાં અચાનક વધારો થયો છે. જબુગામ પંથકના ગ્રામ્ય વિસ્તાર ઝોલાછાપ ડોક્ટરોનો ભરોસો વધારે કરી રહ્યા છે.

ગામડામાં કોરોનાનું ટેસ્ટિગ થતું ન હોવાથી કોરોનાના દર્દીઓની ઓળખ થતી નથી. વેક્સિન માટે તો ગ્રામ્ય પ્રજામાં જાણે ડર પેસી ગયો છે. ગ્રામ્ય પ્રજામાં તેની જાગૃતિ દેખાતી નથી. ગામમાં કેમ્પ રાખ્યો છે તેવી ખબર પડે એટલે ઘરને તાડુ મારી ખેતરની વાટ પકડી લેતા હોય છે એવી આરોગ્ય કર્મીઓ ફરિયાદ કરી રહ્યા છે.

ગ્રામ્ય વિસ્તારના આરોગ્ય કેન્દ્ર પર કોરોના ટેસ્ટ અને વેક્સિન માટે સ્થાનિક આગેવાનોની મદદ લઈને કામગીરી તેજ કરવામાં આવે તો કોરોના વાઇરસનું સંક્રમણ ચોક્કસ કાબૂમાં આવી શકે છે. જબુગામમાં કેટલાંક દર્દીઓને હોમ ક્વોરન્ટાઈન અને બાકીના જબુગામ કોવિડ કેર સેન્ટરમાં દાખલ થયા છે.

અન્ય સમાચારો પણ છે...