રાજમાર્ગો બન્યા ડિસ્કો રોડ:બોટાદ શહેર સહિત જિલ્લામાં સામાન્ય વરસાદ પડવાની સાથે જ રોડના નબળા કામની પોલ ખુલી, વાહન ચાલકોને ભારે હાલાકી

બોટાદ3 મહિનો પહેલા
  • શહેરના ભાવનગર રોડ, ભાંભણ રોડ, ગઢડા રોડ બિસ્માર બન્યા
  • ચોમાસામાં વરસાદી પાણી વિઘ્ન ન બને તેવું અધિકારીઓ કામ કરે તેવી લોકોની માંગ

બોટાદ શહેર સહિત જિલ્લામાં સામાન્ય વરસાદ પડવાની સાથે જ રોડના નબળા કામની પોલ ખુલી હતી. રોડના કામમાં થયેલો ભ્રષ્ટાચાર વરસાદે છતો કર્યો હતો. શહેરના ભાવનગર રોડ, ભાંભણ રોડ, ગઢડા રોડ બિસ્માર બન્યા હતા. હજારોની સંખ્યામાં અહીંથી પસાર થતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વરસાદી માહોલ વચ્ચે રોડ પરના મસમોટા ખાડામાં પાણી ભરેલા હોવાના કારણે અજાણ્યા વાહન ચાલકો નાના મોટા અકસ્માતનો ભોગ પણ બને છે. ત્યારે આવા બિસમાર રોડ-રસ્તાના કારણે વાહન ચાલક તેમજ વાહનને પણ નુકશાનનો ભોગ બનવું પડે છે. ત્યારે તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂનની કામગીરી માત્ર કાગળ ઉપર થતી હોય અને કોઈપણ જાતનું ચોમાસા દરમ્યાન આગોતરું આયોજન કરવામાં નહિ આવતું હોય અને માત્ર દાવા કરતા હોય તે કેટલા સાચા તે સામે જ જોવા મળી રહ્યું છે.

તંત્ર આંખ આડા કાન કરી બેઠું હોવાનો આક્ષેપ
બોટાદ શહેરના મોટાભાગના રોડ-રસ્તા પણ સામાન્ય વરસાદ પડવાની સાથે પાણી ભરાવાની સમસ્યા દર વર્ષની હોવા છતાં અને તંત્રને દર વર્ષે ફરિયાદ મળતી હોવા છતાં તે માત્ર આંખ આડા કાન કરી બેઠું છે. તેમજ લોકોને થતી હેરાનગતિ અને મુશ્કેલીનો જાણે અધિકારીઓને આનંદ મળતો હોય તેવા સ્થાનિકો દ્વાર આક્ષેપ કરાયા છે. ત્યારે પ્રજાના ટેક્ષના રૂપિયાની લોકોને પ્રાથમિક સુવિધા મળે અને દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી વિઘ્ન ન બને તેવું અધિકારીઓ કામ કરે તેવી લોકોએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...