રોજિદ ગામમાં થયેલા લઠ્ઠાકાંડમાં 36 લોકોના મોત થયા છે. આ લઠ્ઠાકાંડમાં 15 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમાં એક મહિલા બુટલેગરનું નામ પણ સામેલ છે. આ બુટલેગરનો ગામમાં એટલો ખૌફ છે કે તેનું નામ લેતા પણ ગ્રામજનો ફફડે છે. ગઈકાલે થયેલા લઠ્ઠા કાંડમાં રોજિદ ગામના કેટલાક લોકોએ ગજીબેનને ત્યાં દારૂ પીધો હતો. હાલ, પોલીસે એમની ધરપકડ પણ કરી છે. આ અંગે સ્થાનિક લોકો સાથે વાત કરતા એમણે નામ ન આપવાની શરતે જણાવ્યું કે, ગજીબેન મૂળ આ ગામના રહેવાસી નથી. તે છેલ્લા કેટલાક વર્ષોથી અહીં રહેતા હતા. તેમને નાના બાળકો છે અને પોતે છેલ્લા કેટલાક વર્ષથી ટીબીની બીમારીથી પીડાઈ રહ્યા છે. જેને કારણે તેઓ મજૂરીએ ક્યાંય જઈ શકે એમ ન હતા. એ માટે તેમણે દારૂનો ધંધો નાનાપાયે શરૂ કર્યો હતો.
દિવ્યભાસ્કર પહોંચ્યું ગજીબેનના ઘરે
ગજીબેનનું ઘર રોજીદ ગામના છેક છેવાડે આવેલું છે. દિવ્યભાસ્કરે ગજીબેનના ઘરની મુલાકાત લીધી હતી એ દરમિયાન દ્રશ્યો જોવા મળ્યા કે ગજીબેનના ઘરમાં તાળા મારેલા હતા. ગજીબેનનું ઘર એકદમ સુમસામ હતું.ગજીબેનના બંને બાળકો અત્યારે કોઈ સગાને ત્યાં બરવાળા નજીક ગામમાં લઈ જવામાં આવ્યા છે. અત્યારે ગામ લોકો ગજીબેન વિશે કંઈ પણ બોલવા તૈયાર નથી અને બોલે છે તો નામ ન આપવાની શરતે બોલી રહ્યા છે.
ફરિયાદમાં પહેલું નામ ગજીબેનનું નોંધાયું છે
ગઈકાલે થયેલા લઠ્ઠા કાંડમાં રોજિદ ગામના કેટલાક લોકોએ ગજીબેનને ત્યાં દારૂ પીધો હતો. કેટલા કલાકો બાદ બધાની તબિયત વારાફરતી બગડવા લાગતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જેમાંથી અત્યારે કેટલાકના મોત પણ થઈ ચૂક્યા છે જેને લીધે પોલીસે ગજીબેનનું નામ ફરિયાદમાં પહેલું નોંધી અને એમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગજીબેન સહિત ગામમાં અન્ય 6 લોકો દારુનો ધંધો કરે છે
સ્થાનિક રહેવાસીઓએ નામ ના આપવાની શરતે એવું પણ ઉમેર્યું કે, ગજીબેન સિવાય ગામના વિપલો અને નંદો સહિત અન્ય ચાર પાંચ લોકો દારૂનો ધંધો કરતા હતા. પરંતુ આ લોકોએ ગજીબેન નું નામ ચગાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.