પશુપાલન વિભાગ દ્વારા પશુઓમા જોવા મળી રહેલ લમ્પી રોગને અટકાવવા માટે બોટાદ, ગઢડા અને રાણપુર તાલુકાના વિસ્તારોમાં આ રોગ પર સત્વરે નિયંત્રણ લાવી શકાય તે હેતુથી જિલ્લામાં અલગ અલગ ટીમો બનાવી અસરગ્રસ્ત ગામના તંદુરસ્ત પશુઓમાં રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે.બોટાદ જિલ્લા નાયબ પશુપાલન નિયામક ડૉ.આર.જી.માળીએ જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લામાં 99 જેટલા પશુઓ લમ્પી વાઇરસથી સંક્રમિત થયેલા છે. બોટાદ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જુદી જુદી ટીમો મારફતે રોગ બાબતે પ્રચાર-પ્રસાર પણ કરવામાં આવી રહ્યો છે.
આ રોગને અટકાવવા માટે જિલ્લાની 6 જેટલી ટીમો અને મધુસુદન ડેરી દ્વારા પશુઓને લમ્પી વાઇરસ વિરોધી રસીકરણથી રક્ષીત કરવામાં આવી રહ્યાં છે. હાલ જિલ્લાને 10 હજાર વેક્સિન ડોઝ ફાળવી દેવામાં આવ્યાં છે તેમ જ જરૂર પડ્યે તબક્કાવાર અન્ય વેક્સીન ડોઝ ફાળવવામાં આવશે. અસરગ્રસ્ત વિસ્તારના નિરોગી પશુઓમાં ફેલાવો અટકાવવા રસીકરણ કરવું જરૂરી હોવાની સાથે પશુઓમાં લમ્પી વાઈરસના લક્ષણો જણાય તો તાત્કાલિક 1962 હેલ્પલાઈન અથવા નજીકના પશુ દવાખાનાનો સંપર્ક સાધવા જાહેર અનુરોધ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.