પર્યાવરણ ક્ષેત્રે યોગદાન:બોટાદનાં શિક્ષકો પણ પોતાની શાળામાં વૃક્ષારોપણ કરી તેનો ઉછેર કરી રહ્યા છે

બોટાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં અનેક સંસ્થા અને પર્યાવરણ પ્રેમીઓનું પર્યાવરણ ક્ષેત્રે યોગદાન

આજના વિશ્વ પર્યાવરણ દિવસે સમગ્ર બોટાદ જિલ્લામાં પર્યાવરણપ્રેમી સંસ્થાઓ અને વ્યક્તિઓ ખૂબ જ સારી રીતે છેલ્લા 5 થી 10 વર્ષમાં સક્રિય થઇ કામગીરી કરે છે. તેમને અને તેમની પ્રવૃત્તિઓને ઉજાગર કરીએ તે પણ યોગ્ય લેખાશે. બોટાદ શહેરની બહાર તુરખા રોડ ઉપર ઢાંકણીયા વીડ આવેલું છે. હરણ, સસલાં અને પક્ષીઓથી શોભતી આ સુંદર જગ્યા જોવાલાયક છે. ત્યાં પાંજરાપોળ પણ છે.

પાંજરાપોળમાં ગાયો અને પક્ષીઓ માટે સારી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. આ ઉપરાંત હરણકુઈ વિસ્તારમાં આવેલા નવ હથ્થા હનુમાનજી મંદિર,ખોડિયાર મંદિર અને વિરાટેશ્વર મહાદેવ, મોક્ષધામ, મહાકાળીનગરમાં આવેલ મહાદેવ મંદિર, ગઢડા રોડ ઉપર આવેલ દીપચંડી આશ્રમ અને બીજી અનેક જગ્યાએ વૃક્ષોની હરિયાળી નિહાળીએ ત્યારે આનંદ આવે તેવી પર્યાવરણ પ્રત્યેની કાળજી લઇ ખૂબ જ સુંદર જગ્યાઓ બનાવવામાં આવેલ છે. તેની સાથોસાથ ઔષધિઓનો વિકાસ પણ ખૂબ કાળજી રાખીને કરવામાં આવે છે.

હાલ પર્યાવરણ પ્રત્યે ખૂબ જ જાગૃત હોય તેવી સંસ્થાઓમાં ટોચ લેવલે મિશન ગ્રીન બોટાદ છે. વતન પ્રેમી મિત્રોએ મળીને બનાવેલી આ સંસ્થાએ અનેક લોકોનો સહયોગ મેળવી બોટાદ શહેરના વિવિધ સ્થળોએ વન ઉભા કરી શુધ્ધ હવા પૃરી પાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. આ સંસ્થાએ સદભાવના વૃદ્ધાશ્રમનો સહયોગ મેળવી રોડ ઉપર વૃક્ષો વાવી સારી દેખરેખ રાખી રહ્યા છે. તળાવની બાજુમાં અને ભાવનગર રોડ ઉપર પીપળા વન અને અનેક વૃક્ષોનું વાવેતર કરી બોટાદ શહેરને હરિયાળું બનાવવામાં ખૂબ જ સારું યોગદાન આપી રહ્યા છે.

જોટીંગડા ,ઢીકવાળી, કેરીયા નંબર 2, ટાટમ,ગઢડીયા, સાળંગપરડા, નાના પાળીયાદ અને બીજી અનેક પ્રાથમિક શાળાઓમાં જોવાલાયક અને પ્રકૃતિ પ્રેમને ઉજાગર કરતી આ શાળાઓએ ખૂબ જ સુંદર કાર્ય કર્યું છે. વૃક્ષારોપણની સાથો સાથ ઔષધિઓના ઉપયોગની પણ ખેવના રાખવામાં આવે છે.ગઢડા તાલુકાની સાળંગપરડા પ્રાથમિક શાળામાં વેકેશન હોવા છતાં પણ શાળાના શિક્ષક રમેશભાઈ બાવળિયાની દેખરેખમાં ગામમાં પક્ષીઓ માટે માળા લગાવવા, કુંડા મુકવા, બીજ એકઠા કરવા, કીડીયારુ પુરવુ જેવા કાર્યો થઇ રહ્યા છે.ત્યાં દર ચોમાસામાં ૩૦૦ જેટલા રોપાઓને વાવી જાળવણી પણ કરવામાં આવે છે.

બોટાદ શહેરની શાળાઓમાં હાજીભાઈ મલ્લા, નરેન્દ્રસિંહ સોલંકી, હરેશભાઈ ભોજક, આર.ડી જીવાણી, સુમનભાઈ પટેલ અને અનેક શિક્ષકો પોતાની શાળાની સાથોસાથ આજુબાજુની શાળાઓમાં પણ મદદરૂપ બની રહ્યા છે. તાલુકામાં વિજયભાઈ વાળા સી.આર.સી, કિશોરભાઈ ફતેપરા, વિજયભાઈ દેવમુરારી, જગદીશભાઈ અણીયાળીયા, વિજયભાઈ ગોલેતર, રમેશભાઇ ચૌધરી અને બીજા અનેક શિક્ષકો પર્યાવરણનું બેનમૂન કાર્ય કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...