બરવાળા હાઇવે રોડ પર માર્ગ અને મકાન વિભાગની હદમાં કરવામાં આવેલા દબાણો દૂર કરવા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને છેલ્લી નોટીસ 24 કલાકમાં દબાણકર્તાઓને દબાણો દૂર કરવાની આપી હતી. છેલ્લી નોટિસની સમય મર્યાદા પૂરી થતા રવિવારના રોજ રાત્રે હાઇવે પર દબાણ કરેલા ઇસમોએ મોડી રાત્રી સુધી પોતાનો માલસામાન ખાલી કરી પતરા બાંધકામ હટાવી સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરી દીધા હતા. જ્યારે સોમવારના રોજ સવારે 11.30 ક્લાકે બરવાળા મામલતદાર સી.આર.પ્રજાપતિ દબાણો દૂર કરવા માટે બરવાળા પી.એસ.આઇ. એન.જી.રબારી, ચીફ ઓફિસર પી.સી.રાઠોડ પોલીસ કાફલા, વાહનો અને વિજ તંત્રના અધિકારીઓને સાથે રાખીને હાઇવે પર ખોડીયાર મંદિરથી લઇ હોટલ ધ ગ્રાન્ડ આર્યા સુધી એક કિલોમીટર સુધી પોલીસ કાફલા સાથે ફૂટ પેટ્રોલીંગ કર્યુ હતું જેમા હાઇવેની બંને બાજુએ મોટાભાગના દબાણકાર્તાઓએ દબાણ દૂર કરી નાખ્યા હતા. જ્યારે રાજકીય વગ ધરાવતા ત્રણ ચાર લોકોએ દબાણ દૂર કર્યા ન હતા તેઓને પણ દબાણ દૂર કરી દેવાની સ્પષ્ટ ચેતવણી આપી દીધી હતી. આ બબાણ દૂર કરવાની કાર્યવાહી સમયે લોકોના ટોળે ટોળા રોડ ઉપર ઉપર ઉમટી પડ્યા હતા.
આ દબાણો દૂર ન કરવા માટે રાજકિય આગેવાનોએ છેક ગાંધીનગર સુધીના ચક્કર કાપ્યા હતા પરંતુ દબાણ દૂર કરવા બરવાળા મામલતદાર સી.આર.પ્રજાપતિએ તેમના ઉચ્ચ અધિકારીઓને પણ સ્પષ્ટ જણાવી દીધુ હતુ કે દબાણ દૂર નહી કરવા માટે મને લેખીતમાં આપો પરંતુ ઉચ્ચ અધિકારીઓએ બરવાળા મામલતદારને દબાણ દૂર ન કરવા માટે લેખીતમાં ન આપતા અંતે દબાણ દૂર કરવાનો મામલતદારે નિર્ણય મક્કમ રાખતા માર્ગ મકાનની હદમાં કરેલા દબાણને દબાણકારોએ સ્વૈચ્છિક દૂર કર્યા હતા. આમ માર્ગ મકાનની હદના દબાણો દૂર થતા હવે બરવાળા નગરપાલિકાની હદમાં આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી પણ હવે શરૂ કરવામાં આવશે કેમકે બરવાળા નગરપાલિકા દ્વારા પણ તમામ દબાણકારોને નોટિસથી લઇને તમામ કાનૂની પ્રક્રિયા પૂરી કરી દેવામા આવી છે.
પરંતુ હાઇવે નજીક નગરપાલિકાની હદમાં આવતા દબાણો કોઇપણ ભોગે દૂર નહીં કરવા દબાણકર્તાઓ મક્કમ છે જો નગરપાલિકા દબાણ દૂર કરવા જાય તો મોટો સંઘર્ષ થવાના એંધાણ છે કેમકે આ દબાણકારો સ્પષ્ટ કહે છે કે પહેલા રાજકીય વગ ધરાવતા મસ મોટા માથાઓના દબાણ દૂર કરો પછી અમારા દબાણ અમે સ્વેચ્છાએ દૂર કરીશુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.