બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 29 લોકોનાં મોતની ચકચારી ઘટના સામે આવી છે. કેટલાય લોકોની હાલત ગંભીર છે અને તેમને અમદાવાદના સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. અત્યારે તે લોકો પણ જીવન-મરણ વચ્ચે જંગ લડી રહ્યા છે. અચાનક મોતથી મૃતકોના પરિવારો શોકમાં ગમગીન થયા છે. ગામનું વાતાવરણ ચારે બાજૂથી દ્રવી ઉઠ્યું છે, જ્યાં જુઓ ત્યાં રડવાના અવાજો આવી રહ્યા છે.
મારી બે દીકરી પપ્પાની રાહ જોઈ રહી છે
રોજિદ ગામે થયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલ પ્રદીપ 2 દીકરીનો બાપ હતો અને પરિવારમાં એકમાત્ર કમાવનાર હતો. તેમના મોતથી પરિવાર નિ:સહાય થઈ ગયો છે. તેમની 3 અને 5 વર્ષની દીકરી આજે પપ્પાના ઘરે આવવાની રાહ જોઈ રહી છે. ગામમાં આવા કેટકેટલાય લોકોના જીવ ગયા છે અને ત્યાનું વાતાવરણ ગમગીન બન્યું છે.
મારા ભાઈને હવે હું ક્યા શોધવા જઈશ, હું રાખડી કોને બાંધીશ?
25 વર્ષીય દીપકભાઈનો પણ લઠ્ઠાકાંડમાં જીવ ગયો છે. ત્યારે તેમની બહેન ચોધાર આસુંડે રડી રહી છે અને કહી રહી છે કે હું રાખડી કોને બાંધીશ? હું હવે તેને શોધવા ક્યા જઈશ? જ્યારે તેમની પત્નીની કંઈ પણ કહેવાની હાલ હિંમત નથી. તેમનો આ અવાજ સાંભળીને ભલભલાની આંખમાંથી આંસુ આવી જાય તેવો માહોલ ગામમાં સર્જાયો છે.
મેં ઘણા સમજાવ્યા બાદ પણ દારુ ના છોડ્યો, એ જ દારુ તેમને ભરખી ગયો
તેઓ સાંજે ઘરે આવ્યા અને એકદમથી ઉલટીઓ શરુ કરી દીધી, ત્યારે જાણ થઈ કે તેઓ દારુ પીને આવ્યા છે. અમે હોસ્પિટલ લઈ ગયા તાત્કાલીક સારવાર પણ શરુ થઈ પણ તેમનો જીવ ન બચી શક્યો. હાલ પરિવારમાં તેઓ જ કમાવતા હતા, હવે ઝેરી દારુના કારણે અમે નિ:સહાય બન્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.