રાણપુર સરકારી ગોડાઉનમાં તા.17 મેના બપોરના સમયે લાગેલ આગને 24 કલાક કરતા વધુ સમય થવા છતાં હજી આ આગ ચાલુ રહી હતી. આ આગને કાબુમાં લેવા માટે આજુબાજુના 6 તાલુકાની ફાયરની ટીમે ખડેપગે રહી 2.50 લાખ લટર પાણીનો મારો ચલાવી આગ બુજાવવા ભારે જહેમત ઉઠાવી હતી. રાણપુરમાં આવેલા સરકારી ગોડાઉનમાં મંગળવારના રોજ બપોરનાં સમયે આગ લાગી હતી. આ ગોડાઉનમાં 1219 કિલો ચણાનો અખાધ્ય જથ્થો અને ૩.50 લાખ ખાલી બારદાન હતા.
આ ગોડાઉન રાણપુર શહેરથી અંદાજે બે કિલોમીટર દૂર અવાવરૂ જગ્યાએ આવેલું છે. અને આ ગોડાઉનમાં કોઈ ચોકીદાર નથી કે નથી કોઈ ગોડાઉન મેનેજર આવા અવાવરૂ જગ્યાએ આવેલા ગોડાઉનમાં ખાલી બારદાનનો મસમોટો જથ્થો અને ચણા પડ્યા હતા ત્યારે આ ગોડાઉનમાં બપોરનાં સમયે લાગેલ આગની જાણ બોટાદ ગોડાઉન મેનેજર ભૂમીબેનને થતા જીલ્લા ડી.એસ.એમ. અને ગોડાઉન મેનેજર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
પરંતુ ચાવી સાથે ન લાવતા ન છૂટકે ગોડાઉનનાં તમામે તમામ ચાર શટર તોડી નાખવામાં આવ્યા હતા અને આ આગને કાબુમાં લેવા માટે વઢવાણ. લીંબડી, ધંધુકા, ગઢડા, બરવાળા અને બોટાદની ફાયરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે લાવી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો ત્યારે મોડી રાત્રે આગ કાબુમાં આવી હતી.
પરંતુ ખાલી બારદાનનાં મોટા જથ્થાને લઇ 24 કલાક જેટલો લાંબો સમય થવા છતાં આ આગ સંપૂર્ણ ઓલવાઈ ન હતી ત્યારે હાજર રહેલા બોટાદ જીલ્લા ડી.એસ.એમ. જયેશભાઈ સોનાગરાએ જણાવ્યું હતું કે આ ગોડાઉનમાં રહેલા ખાલી બારદાનના પેકિંગનાં લીધે આગ હજી ચાલુ છે જ્યાં સુધી ચૈનાઈથી વીમાની ટીમ આવીને તપાસ કરે પછી જ તેમની સૂચના મળે ત્યારબાદ બારદાનનાં પેકિંગ અમો ખોલી શકીયે.
ચણાનો જથ્થો વર્ષ 2020માં વિતરણ કરવા માટે આવ્યો હતો જે અખાદ્ય બન્યો
આ ચણાનો જથ્થો વર્ષ 2020માં સરકાર તરફથી લોકોને સરકારી રેશનિંગની દુકાન દ્વારા વિતરણ કરવાનો હતો. પરંતુ કોરોનાનાં લીધે યોગ્ય સમયે વિતરણ ન થતા એક્સપાયરી ડેટ થઈ જતા આ 1219 કિલો ચણાનો અખાધ્ય જથ્થો આ ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો.- જયેશભાઈ સોનાગરા, ડી.એસ.એમ. બોટાદ જીલ્લા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.