181ની ટીમને સલામ છે:બોટાદમાં હિંસા અને સાયબર ક્રાઈમ, લગ્ન જીવન સહિતના 11 હજારથી વધુ કેસોમાંથી પરિણીતા-દીકરીઓને બચાવી

બોટાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લામાં ટીમ અભયમ્ મુશ્કેલીના સમયે બહેનોની મદદ માટે હંમેશા ખડેપગે છે. 181ની ટીમે અનેક મહિલાઓને મુશ્કેલીમાંથી ઉગારીને સુરક્ષિત કરી છે.બોટાદ જિલ્લામાં સતત કાર્યરત 181 અભયમ હેલ્પલાઇનથી અત્યાર સુધીમાં કુલ 11,163થી વધુ બહેનોને સલાહ, સુચન, માર્ગદર્શન મળ્યું છે. જ્યારે કાઉન્સિલરોની ટીમે 2,934 મહિલાઓને સ્થળ પર જઈને જરૂરી મદદ પુરી પાડી છે. બોટાદ જિલ્લાની અભયમ્ હેલ્પલાઇનની ટીમે સમયસર પીડિત મહિલાઓ સુધી પહોંચીને સાચા અર્થમાં સુરક્ષાકવચ પ્રદાન કર્યું છે.

ચાલુ વર્ષના આંકડા પર એક નજર...
જાન્યુઆરી,2022થી જુન,2022 સુધીમાં અભયમ્ હેલ્પલાઈનની ટીમને કુલ 1,157 કોલ મળી ચુક્યા છે. જેમાંથી કુલ 233 મહિલાઓને તો ટીમ દ્વારા સ્થળ પર જ મદદ મળી ચુકી છે. 233માંથી 108 કેસનું અભિયમ્ હેલ્પલાઈનની ટીમે સમાધાન કરાવ્યું છે. જ્યારે બાકીના કેસને લોન્ગ કાઉન્સેલીંગ, પોલીસ કેસ, સખી વન સ્ટોપ સેંટર મારફતે આગળ વધારવામાં આવ્યા છે.

બોટાદ જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ અને યુવતીઓમાં સુરક્ષા, સલામતી અને કાયદાકીય બાબતો અંગે જાગૃતિ આવે તે માટે અભયમ્ હેલ્પલાઈનની ટીમ સતત કાર્યરત છે. 181ની ટીમ મહિલાઓને જાગૃત કરવા તાલીમ શિબિર, ડેમોન્સ્ટ્રેશન, કાયદાકીય શિબિર અને રૂબરૂ મુલાકાતનું પણ સમયાંતરે આયોજન કરે છે. બોટાદમાં બે કાઉન્સેલર બહેનો, બે કોન્સ્ટેબલ તેમજ બે પાયલોટ સાથે 181 અભયમની ટીમ જિલ્લાની દરેક જરૂરિયાતમંદ મહિલાઓને મદદ કરવા તત્પર છે.

81 હેલ્પલાઈન થકી મહિલાઓને ક્યા ક્યા પ્રકારે મદદ મળે છે?
હેલ્પલાઇનનો મુખ્ય ઉદ્દેશ બહેનો સાથે થતા શારીરિક, જાતીય, માનસિક કે આર્થિક કોઇપણ બાબતમાં સતામણી, હિંસા અને સાયબર ગુનાઓ, લગ્ન જીવન અને અન્ય સંબંધોના વિખવાદો, તેમજ કાનૂની જોગવાઇઓની પ્રાથમિક માહિતી ઉપરાંત અન્ય પ્રકારની મુસીબતોમાંથી રેસ્ક્યુ કરીને સલામત કરવાનો છે. આ સેવાના માધ્યમથી મહિલાઓને 181 નંબર થકી તાત્કાલિક બચાવ, ફોન પર માર્ગદર્શન તેમજ લાંબા અને ટૂંકાગાળાના કાઉન્સેલિંગ જેવી સેવાઓથી તેમની સમસ્યાનો નિરાકરણ લાવવામાં આવે છે.

આ સેવાનો લાભ રાજ્યની કોઇપણ કન્યા, યુવતી કે મહિલા લઇ શકે છે. મહિલાને મદદરૂપ થવા ઇચ્છતા કોઇપણ પુરુષ આ સેવાનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત રાજ્યમાં હિંસાનો ભોગ બનેલી અન્ય રાજ્યની મહિલા પણ આ સેવાનો લાભ લઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...