આદેશ:બોટાદમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારા નરાધમને 20 વર્ષની સજા

બોટાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીને પકડવા સ્કેચ એક્સપર્ટ પાસે સ્કેચ બનાવી પોલીસે જુદી જુદી ટીમોની મદદથી આરોપીને ઝડપી પાડ્યો, 5 લાખના વળતરનો પણ આદેશ

બોટાદ જેવા નાના શહેરમાં 3 વર્ષ અગાઉ ભાંભણ રોડ ઉપર માતાવાડી પાસે તા.29 નવેમ્બર 2018ના રોજ બપોરના સમયે સાડા છ વર્ષની માસુમ બાળકીને કોઇ અજાણ્યો શખ્સ પતંગ બનાવી આપવાની લાલચ આપી, લક્ષ્મી નારાયણ પાર્ક-2 નામના ખુલ્લા પ્લોટીંગના કંમ્પાઉન્ડમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવને લઇ ચારેકોર ચર્ચાનો વિષય બની ગયો હતો અને આરોપીને તાત્કાલીક પકડી કડકમાં કડક શિક્ષા થવાની માંગ કરવામાં આવી હતી. આ બનાવને લઇ ભોગ બનનાર બાળકીના પિતાની ફરિયાદ આધારે બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ગુનામાં કોર્ટમાં ચાર્જશીટ થયા બાદ ન્યાયિક કાર્યવાહી દરમિયાન ભોગ બનનારને સમયસર ન્યાય મળે તે માટે જિલ્લા પોલીસ દ્વારા આ કેસમાં ખાસ સરકારી વકીલની નિમણુક માટે સરકારના કાયદા વિભાગને દરખાસ્ત કરવામાં આવતા ઉત્પલભાઇ દવેની ગંભીર કેસમાં ખાસ સરકારી વકીલ તરીકે નિમણુંક કરવામાં આવી હતી તેમજ તેમની સાથે સરકારી વકીલ એ.ડી.ઝાલા અને કે.એમ.મકવાણા સાથે કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં સ્પે.જજ વી.બી.રાજપુત સમક્ષ ચાલ્યો હતો. આ કેસમાં દરેક મુદતોએ પંચો, સાક્ષીઓને સમયસર પોલીસ વિભાગ દ્વારા હાજર રખાવવામાં આવ્યા હતા.

આ કેસમાં કોર્ટે આપેલા ઉદાહરણરૂપ ચુકાદામાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી ભોગ બનનારને સાચા અર્થમાં ન્યાય આપ્યો છે. ઉપરાંત આરોપીને 5 હજાર રોકડ દંડ અને ભોગ બનનારને રૂપિયા 5 લાખનું આર્થિક વળતર આપવા પણ હુકમ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...