કામગીરી:બોટાદ જિલ્લામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય માટે 1300થી વધુ અરજી મંજૂર

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કલેકટરે વોટસએપ હેલ્પલાઈન નંબરનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો : આર્થિક સહાય માટે 02849-271314 નંબર જિલ્લામાં સાર્થક થયો

બોટાદ જિલ્લાની પાત્રતા ધરાવતી તમામ વિધવા બહેનોને ગંગા સ્વરૂપા આર્થિક સહાય મળી રહે તે માટે મહા ઝુંબેશ દ્વારા બોટાદ જિલ્લામાં કુલ 1310 જેટલી અરજીઓ મંજુર કરવામાં આવી છે. ભારતના લોહપુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 146 મી જન્મ જ્યંતિ નિમિત્તે તા.31/10/21 સુધીમાં બોટાદ જિલ્લાની પાત્રતા ધરાવતી તમામ વિધવા બહેનોને ગંગા સ્વરૂપા આર્થિક સહાય મળી રહે તે માટે મહા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે ઓકટોબર મહિના દરમિયાન જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ઘરે ઘરે જઈ, શેરી, મહોલ્લા, ગામોમાં કેમ્પ કરી જિલ્લાની તમામ ગંગા સ્વરૂપા બહેનોને ઘેર બેઠા જ લાભ મળી રહે તે માટે પુરા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ યોજનાના લાભથી કોઈ વંચિત ન રહી જાય તે માટે 02849-271314 વોટસએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે જે કોઈ લાભાર્થી આ યોજનાથી વંચિત હોય તો તેઓએ પોતાનું નામ, ગામ, સંપર્ક નંબર અને આધારકાર્ડની વિગત આ હેલ્પલાઈનમાં મેસેજથી મોકલી આપવાની રહેશે. તાલુકા ટીમ દ્વારા લાભાર્થીના ઘરે જઈ ફોર્મ ભરી તેમને ઘેર બેઠા જ સહાય મંજુર કરવામાં આવશે. રાજ્ય સરકારની સોસિયલ સિક્યુરીટી અંતર્ગત “વિધવા સહાય માટે” ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ છે.

બોટાદ જિલ્લામાં જે વિધવા બહેનો સહાય માટે પાત્રતા ધરાવે છે તેમાંથી કોઈ લાભાર્થી બાકી રહી ન જાય તે માટે સબંધિત અધિકારી – કર્મચારીએ દ્વારા લાભાર્થીના ઘેર જઈ સર્વે કરી લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા લાભાર્થીઓના ફોર્મ ભરી સહાય મંજુર કરવામાં આવી રહી છે ત્યારે આજની સ્થિતિએ ગઢડા તાલુકામાં 532, બોટાદ ગ્રામ્ય 363, બોટાદ શહેર 195, બરવાળા 40 અને રાણપુરમાં 180 અરજી સાથે બોટાદ જિલ્લામાં કુલ - 1310 અરજીઓ મંજુર કરાઈ છે.

વોટસએપ હેલ્પલાઈન નંબર દ્વારા બોટાદ જિલ્લાના ઘણા લાભાર્થીઓને લાભ મળ્યો છે.આ યોજનામાં જે લાભાર્થી પાત્રતા ધરાવતા હોઈ અને યોજનાથી વંચિત રહી ગયેલ હોય તો તેઓએ વોટસએપ હેલ્પલાઈન નંબરનો ઉપયોગ કરી પોતાની વિગત મોકલી આપવા જિલ્લા કલેકટરએ અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...