બરવાળા શહેર તેમજ તાલુકાના ગામડાઓમાં છેલ્લા ઘણા સમયથી રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવામાં આવતો ઘઉં ચોખાનો જથ્થો રેશનકાર્ડ ધારકો દ્વારા વેચાણ કરવામાં આવતું હોવાનાં કારોબાર ઉપર બરવાળા મામલતદાર સી.આર.પ્રજાપતિ દ્વારા લાલ આંખ કરી રામપરા ગામે રેઇડ પાડી ગેરકાયદેસર રીતે ઘઉં-ચોખાના અનાજનો 1878 કી.ગ્રા.જથ્થો ઝડપી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બરવાળા તાલુકાના રામપરા ગામે રેશનકાર્ડમાં વિતરણ કરવામાં આવતો ઘઉં,ચોખા અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે વેચાણ તેમજ ખરીદી કરવામાં આવતું હોવાની બરવાળા મામલતદાર સી.આર. પ્રજાપતિને મળેલી ચોક્કસ બાતમીનાં આધારે બરવાળા મામલતદાર અને એસ.બી.ખાંભલ્યા નાયબ મામલતદાર પુરવઠા શાખા સહિતના કર્મચારીઓ દ્વારા રામપરા ગામે દરોડો પાડતાં ઘઉં 810.73 કી.ગ્રા. કુલ કટ્ટા 14 તેમજ ચોખા 995.72 કી.ગ્રા. કુલ કટ્ટા 16 તેમજ બાલભોગનાં નાના-મોટા પેકેટ્સ 99 નંગ 73.500 કી.ગ્રા. મળી કુલ 1878 કી.ગ્રા.ઘઉં,ચોખા,બાલભોગનાં32 કટ્ટા તેમજ રિક્ષા નંગ ૩ મળી કુલ રૂપિયા 1,61,257નાં મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.
જ્યારે અકીલ સતારભાઈ ભાસ રહે.હરણકુઈ, બોટાદ, ઈમરાન યુનુસભાઈ તાલબ રહે.સાળંગપુર રોડ,બોટાદ, ઈદ્રીશ યુનુસભાઈ મુસાણી રહે.જમાઈનગર,બોટાદ ત્રણેય ઇસમો પાસેથી આ ઘઉં,ચોખા,બાળભોગનાં જથ્થા અંગેના ખરીદ-વેચાણ અંગેના બીલો કે પરવાનગી કે અન્ય કોઈ પુરાવાઓ રજુ કરવામાં ન આવતા ઘઉં,ચોખા,બાલભોગનો જથ્થો જપ્ત કરી ત્રણેય ઇસમો સામે કાયદેશરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ સિઝ કરવામાં આવેલ જથ્થા બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રેશનકાર્ડમાં મળતા અનાજનો જથ્થો ખરીદ-વેચાણ કરનાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે
બરવાળા તાલુકામાં સરકારનાં પુરવઠા વિભાગ દ્વારા રેશનકાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનો દ્વારા ઘઉં,ચોખા સહીતનાં અનાજનું વિતરણ રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવામાં આવે છે પરંતુ અમુક ઇસમો દ્વારા તે અનાજનું ગેરકાયદેશર રીતે વેચાણ તેમજ ખરીદી કરવામાં આવે છે તેવા ઇસમો સામે કાયદેશરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. > સી.આર.પ્રજાપતિ, મામલતદાર-બરવાળા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.