બોટાદ એસપી કચેરીના ઓડિટોરિયમ હોલમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતુ. બોટાદ એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઇ સહિતના અધિકારીઓ લોક દરબારમાં હાજર રહ્યા હતા. વ્યાજ ધિરાણને લઈને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતુ.
ગુજરાત રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા ગુજરાત નાણાધિરનાર અધિનિયમ -2011 અન્વયે કડક પગલાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં વ્યાજખોરોના કારણે અનેક લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આવા લોકો હેરાન પરેશાન ન થાય તે માટે લોક દરબારના આયોજનો કરવામાં આવી રહ્યા છે. આજરોજ બોટાદ શહેરના એસપી કચેરી ખાતે આવેલ ઓડિટોરિયમ હોલમાં એસપી કિશોર બળોલિયાના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોટાદ જિલ્લાના ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા. હાજર રહેલા પોલીસ અધિકારીઓ દ્વારા વ્યાજ ધિરાણને લઈને માહિતી આપવામાં આવી હતી. તેમજ લોકોને પડતી મુશ્કેલી અંગે તેમની પાસેથી માહિતી મેળવી હતી અને લોકો જો આવા વ્યાજખોરોના ચક્રમાં ફસાયા હોય તો પોલીસ અધિકારીઓને રજૂઆત કરે તેમ જણાવ્યું હતુ.
લોક દરબારમાં હાજર લોકો સાથે એસ.પી.એ સીધી વાત કરી લોકોના વ્યાજ સિવાયના અન્ય પ્રશ્નોને પણ સાંભળી તેના સંતોષકારક જવાબ આપ્યા હતા. લોક દરબારમાં વ્યાજને લઈ કોઈપણ વ્યક્તિ દ્વારા જાહેરમાં કોઈ અરજી કે ફરિયાદ કરવામાં આવી નહોતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.