હાલાકી:ધોલેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરના અભાવે દર્દીઓ પરેશાન

બોટાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધોલેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરનાં અભાવે દર્દીઓ રઝળ્યા. - Divya Bhaskar
ધોલેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરનાં અભાવે દર્દીઓ રઝળ્યા.
  • ધોલેરા ઉપસરપંચ દ્વારા જિલ્લા આરોગ્યને ડોક્ટરની ખાલી જગ્યા ભરવા રજૂઆત કરી
  • સારવાર ન મળતાં દર્દીઓને હાલાકી ભોગવવી પડી

ધોલેરા પ્રાથમિક અારોગ્ય કેન્દ્રમાં ડોક્ટરનાં સ્ટાફની ખાલી જગ્યાનાં કારણે દર્દીઓ સારવારથી વંચિત રહેતા ધોલેરા ગામના ઉપસરપંચે અમદાવાદ જીલ્લા આરોગ્ય શાખામાં ડોક્ટરની ખાલી જગ્યા ભરવા માટે રજૂઆત કરી હતી.

ધોલેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા 17 ગામ આવે છે. આ તાલુકાની વસ્તી 64000 જેટલી છે તાલુકાના 17 ગામના લોકો આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા આવે છે. તેમજ ધોલેરા આસપાસ છેલ્લાં 5 વર્ષથી વિવિધ કંપનીઓ ના કારીગરો પણ તાત્કાલિક સારવાર માટે ધોલેરા પ્રા.આ.કેમા આવે છે ત્યારે લોકોને આ આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર નો હોવાથી 30 કી.મી દુર સારવાર માટે જવુ પડે છે. જેના લીધે દર્દીને સમય અને પૈસાનું પણ વ્યય થાય છે.

2 વર્ષ થી એમબીબીએસ ડોક્ટરની જગ્યા ખાલી પડી છે. આ જગ્યા ઉપર વચ્ચે એક વાર ત્રણ મહિના પૂરતી જગ્યા ભરવામાં આવી હતી.પરંતુ ડોક્ટરે ચાર્જ સંભાળ્યો ન હતો. તેમજ લેબોરેટરી ટેકનીશિયનની જગ્યા 1 વર્ષ અને 7 મહિનાથી ખાલી છે. ફાર્માશિષ્ટની જગ્યા 9 માસથી ખાલી છે.

લોકોની લાંબા સમયથી સારવાર મળતી નથી અને સરકાર આરોગ્ય મેળા કરી બારથી ડોક્ટરો લાવી એક દિવસ પૂરતું કામ બતાવે છે. જે બાબતે ધોલેરા ગામના નવનિયુક્ત ઉપ- સરપંચ ઘનશ્યામસિંહ ચુડાસમાએ જિલ્લા આરોગ્ય શાખા અમદાવાદને ખાલી જગ્યા ભરવા પત્ર લખી રજૂઆત કરી છે.

આ રજૂઆતને પગલે તંત્ર દ્વારા ધોલેરા પ્રાથમિક અારોગ્ય કેન્દ્રમા ડોક્ટરોની ભરતી કરવામાં આવે તો દર્દીઓને મોટી રાહત મળે. પૂરતા ડોક્ટર હોવાને કારણે દર્દીઓને સારવાર પણ સરળતાથી મળી રહે. ધોલેરા પ્રાથમિક અારોગ્ય કેન્દ્રમા ડોક્ટરો ન હોવાને કારણે દર્દીઓને ખાનગી દવાખાને જવા મજબૂર બને છે.

અન્ય સમાચારો પણ છે...