આપણે સૌ ઉત્તરાયણનો પર્વ ઉમંગપૂર્વક ઉજવીએ છીએ, પરંતુ આપણી પતંગ ઉડાડવાની મજા ઘણી વખત નિર્દોષ પક્ષીઓ માટે સજા બની જાય છે. પતંગની દોરીથી પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય છે કે જીવ ગુમાવે છે. અબોલ અને નિર્દોષ પક્ષીઓના જીવ મહામૂલ્ય છે. જેથી તેમને બચાવવા એ આપણી નૈતિક ફરજ છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી સમગ્ર રાજ્યમાં કરુણા અભિયાન કાર્યરત છે.
બોટાદ જિલ્લા કલેક્ટર બી.એ. શાહના માર્ગદર્શન હેઠળ બોટાદ સામાજિક વનીકરણ વિભાગ અને વન વિભાગ દ્વારા જિલ્લા-તાલુકા કક્ષાએ ઉત્તરાયણ પર્વ નિમિત્તે કરૂણા અભિયાન કાર્યરત છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં ઉત્તરાયણના પર્વની ઉજવણી દરમિયાન જો કોઈ પક્ષીઓને ઈજા થાય કે મૃત્યુ થાય તો તાલુકા પ્રમાણે સેવાભાવી વ્યક્તિઓ તથા પરિક્ષેત્ર વન અધિકારી સહિતના લોકોની ટુકડી બનાવવામાં આવી છે. જે અંતર્ગત બોટાદવાસીઓ ૨૦ જાન્યુઆરી સુધી પક્ષીઓની ઈજા/મૃત્યુના બનાવ અંગે નીચે આપેલા નંબર પર સંપર્ક કરી જાણ કરી શકશે. આ માટે બોટાદ જિલ્લા મુખ્ય મથકે કંટ્રોલરૂમ તૈયાર કરવામાં આવ્યો છે, જેનો સંપર્ક નંબર 7698780776 છે. બોટાદ જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી ઉલ્લાસ તથા જીવદયાના ભાવ સાથે થાય તે માટે નાયબ વન સંરક્ષકશ્રી, સમાજિક વનીકરણ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.