સી.સી.ટી.વી. કેમેરાને લઈ હુકમ...
બોટાદ જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એ.શાહ રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા કમિશન ભારત સરકારના સૂચન સંદર્ભે બોટાદ જિલ્લાના તમામ મેડિકલ/ફાર્મસી સ્ટોર માલિકોને હુકમ કર્યો છે. કે તેઓએ એક માસના સમયમાં મેડિકલ/ફાર્મસી સ્ટોરની અંદર તથા બહાર CCTV કેમેરા લગાવવાના રહેશે. આ CCTV કેમેરાનું રેકોર્ડીંગ કોઇપણ સમયે જિલ્લા ડ્રગ કંટ્રોલ ઓથોરીટી/CWPO દ્વારા આકસ્મિક ચેક કરવામાં આવશે. બોટાદ જિલ્લાના કોઇપણ મેડિકલ/ફાર્મસી સ્ટોર માલિક દ્વારા આ મુજબના હુકમનું ઉલ્લંઘન કરતા હોવાનું માલુમ પડશે, તો કાયદાની જોગવાઇ મુજબ કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ધોરણ-10, 12ની પરીક્ષા અન્વયે જાહેરનામું...
બોટાદ શહેર તથા જિલ્લામાં આગામી તા. 14/03/2023થી તા. 29/03/2023 દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા બોટાદ શહેર અને જિલ્લામાં ધોરણ-10 તથા ધોરણ-12ની માર્ચ-2023ની પરીક્ષા લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે તેમને મળેલી સત્તાની રૂએ ઉક્ત હુકમ ફરમાવ્યો છે.
આગામી તા. 14/03/2023થી તા. 29/03/2023 સુધી ધોરણ-10ની માર્ચ-2023ની પરીક્ષાનો સમય સવારના 10થી બપોરના 01:15 કલાક અને ધોરણ-12ની સામાન્ય પ્રવાહ પરીક્ષા સવારના સેશન સમય 10:30થી બપોરના 01:45 કલાક સુધી તેમજ બપોરના સેશનનો સમય 03:00થી સાંજના 06:15 કલાક સુધી તથા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાનો સમય બપોરના 03:00 કલાકથી સાંજના 06:30 કલાક દરમિયાન ઘોરણ-10નાં કુલ-29 પરીક્ષા કેન્દ્ર, ધોરણ-12(સામાન્ય પ્રવાહ)ના કુલ-21 પરીક્ષા કેન્દ્ર તથા ધોરણ-12(વિજ્ઞાન પ્રવાહ)ના કુલ-05 પરીક્ષા કેન્દ્ર ઉપર પ્રતિબંધો ફરમાવવામાં આવ્યાં છે.
જેમાં પરીક્ષા કેન્દ્રોની 100 મીટર ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ/ફેક્સનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઝેરોક્ષ તેમજ ફેક્સ મશીનના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં મોટા અવાજે લાઉડ સ્પિકર કે બેન્ડવાજા વગેરે ધ્વનિ વર્ધક સાધનોના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રમાં મોબાઇલ ફોન લઇ જવા પર, પરીક્ષા કેન્દ્રની 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવા પર અને પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ સિવાય કોઇ અનઅધિકૃત વ્યક્તિએ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામાનો ઉલ્લંઘન કરનારને ભારતના ફોજદારી અધિનિયમની કલમ-188 મુજબ સજા થશે. જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા અધિકારીને અધિકૃત કરવામાં આવ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.