ભૂલકાના કલરવ સાથે સ્કૂલો શરૂ:જિલ્લામાં પીરાણા સહિતની શાળાઓમાં ધો. 1થી 5માં વિદ્યાર્થીઓની પાંખી હાજરી વચ્ચે શિક્ષણ શરૂ

બોટાદ,વહેલાલ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીરાણામાં 289માંથી માત્ર 50 વિદ્યાર્થી જ આવ્યા, વિદ્યાર્થીઓ સાથે શિક્ષિકાઓએ પણ માસ્ક પહેરીને શિક્ષણ કાર્ય આરંભ્યું
  • બોટાદમાં પણ 20 મહિના પછી ધોરણ 1થી 5ના ભૂલકાના કલરવ સાથે સ્કૂલો શરૂ થઇ

રાજ્યના શિક્ષણ વિભાગની જાહેરાત મુજબ દસક્રોઈની ખાનગી તેમજ સરકારી શાળાઓમાં 20 માસ બાદ ધોરણ 1થી 5નું ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. 20 માસ બાદ બાળકોના કિલકીલાટથી શાળાઓ ગુંજી ઉઠી હતી. ગાઈડલાઈન સાથે શાળાઓ ખુલી પણ દસક્રોઈની સરકારી શાળાઓમાં પણ પાખી હાજરી જોવા મળી હતી. દસક્રોઈની શાળાઓના શિક્ષકોનું કહેવું છે કે ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં વેકેશન બાદ શાળા ખુલે એટલે વાલીઓ એવું માને છે કે બાળકો પાસે સફાઈ કરાવશે એટલે શાળાએ મોકલતા નથી. બે ત્રણ દિવસમાં સંખ્યા વધી જશે.

દસક્રોઈના પીરાણા, વહેલાલ, કણભા સહિતની તાલુકાની સરકારી શાળામાં સરકારની ગાઈડ લાઈન મુજબ વાલીઓના સંમતિપત્રો લઈ માસ્ક સાથે પ્રવેશ અપાયો હતો. શાળાઓ શરૂ થવાની જાણ વાલીઓને કોલ અને મેસેજથી કરાઈ હતી. શાળા શરૂ થાય તે પૂર્વે વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર માપી, વર્ગમાં પ્રવેશ અપાયો હતો.વર્ગમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવાયું હતંુ.

વિદ્યાર્થીઓ સાથે શિક્ષિકાઓએ પણ માસ્ક પહેરીને શિક્ષણ કાર્યનો આરંભ કર્યો હતો.રાજ્યના શિક્ષણમંત્રી દ્વારા તા.21 નવેમ્બરનાં મોડી રાત્રે તા.22 નવેમ્બરથી ધોરણ 1 થી 5 રાબેતા મુજબ શરૂ કરવાની જાહેરાત કરતા બોટાદ જીલ્લાની પ્રાથમિક શાળાઓમાં પ્રથમ દિવસે સુચનાઓ મળતા ધોરણ 1 થી 5નાં વિદ્યાર્થીઓની પાખી હાજરી વચ્ચે સ્કૂલો શરૂ થઇ હતી. ધોરણ 1 થી 5 નાં વર્ગો શરૂ કરવા માટે વિદ્યાર્થીઓના વાલીની સંમતિ પત્ર લઈ વર્ગો શરૂ કરવાના હોવાથી આજે પ્રથમ દિવસે વાલીઓમાં સંમતિપત્રો મંગાવવામાં આવ્યા હતા.

વાલીઓના સંમતિપત્રો મળ્યા પછી રાબેતા મુજબ વર્ગો શરૂ કરવાના હોવાથી આજે 20 મહિના પછી ધોરણ 1 થી 5નાં વર્ગો શરૂ થતા પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ માસ્ક પહેરી શાળામાં પ્રવેશતા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનાં હાથ સેનેટાઈઝથી સાફ કરી વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. આમ શિક્ષણમંત્રીની ધોરણ 1 થી 5 નાં વર્ગો શરૂ કરવાની જાહેરાતનાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી વચ્ચે ભૂલકાઓનાં કલરવથી શાળા ગુંજી ઉઠી હતી અને પ્રથમ દિવસે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનાં વાલીની સંમતિપત્ર લઈ આગામી બે થી ત્રણ દિવસમાં શિક્ષણકાર્ય રાબેતા મુજબ કરશે.

અન્ય સમાચારો પણ છે...