બોટાદ 181 અભયમ ટીમે પતિના શંકાશીલ સ્વભાવના કારણે કંટાળીને ઘરેથી નીકળી ગયેલી પીડિતાને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યુ હતુ. બોટાદ સીટી વિસ્તારમાંથી જી.આર.ડી બેન દ્વારા 181 અભયમ હેલ્પલાઇનમાં ફોન કરી જણાવ્યુ હતુ કે બોટાદ એસ.ટી.ડેપોમાં એક અજાણ્યા બહેન બેઠા છે અને તેઓ ખૂબ ચિંતામાં છે અને રડે છે. જે કોલને લઇ 181 અભયમના કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન, કોન્સ્ટેબલ ઝાપડિયા શેતલબેન તેમજ પાયલોટ સોલંકી સંદીપભાઈ ઘટના સ્થળે અજાણ્યા બહેનની મદદ માટે પહોંચ્યા હતા. ત્યારે પીડીતાને જીઆરડી બહેનોએ એક સુરક્ષિત જગ્યાએ બેસાડ્યા હતા બહેન સાથે 181 અભયમની ટીમે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે પીડિતા બહેનની સાસરી બોટાદ સીટી વિસ્તારમાં છે.
આજથી બે મહિના પહેલા જ તેમના લગ્ન થયા છે અને તેનું પિયર નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કેવડી ગામમાં છે. જેથી પીડીતા બોટાદ સીટી વિસ્તારથી સંપૂર્ણ અજાણ્યા છે. પીડિતા પાસેથી તેના પતિનો ફોન નંબર મેળવી તેના પતિની સાથે મોબાઈલ દ્વારા વાતચીત કરી તેમના ઘરનું સરનામું જાણી 181 અભયમ ટીમે પિડિતાની સાથે તેના સાસરીમાં ગયા હતા અને તેના સાસરીવાળાને મળી ઘટનાની તમામ માહિતી આપી હતે. ત્યારબાદ પિડિતાના સાસરીવાળા એ જણાવ્યુ હતુ કે તેમને ખબર જ ન હતી કે બહેન ક્યાં ગયા છે તેના પતિએ ઘણી શોધ કરી પરંતુ તેઓને મળ્યા ન હતા બહેન તેના પિયરમાં રોજ વારંવાર ફોન કરી વાતચીત કરતાં હોય અને ફોનની બધી માહિતી ડીલીટ કરી નાખતા હતા તેથી તેના પતિ ખોટી શંકા કરતા અને તેમના વચ્ચે મતભેદ થતા ઝઘડો થયો હતો તેથી પિડિત બહેન કંટાળીને ઘરે કહ્યા વગર બહાર નીકળી ગયા હતા.
181 અભયમ ટીમ દ્વારા તેના પતિ અને સાસરીના સભ્યોને સલાહ-સુચન માર્ગદર્શન આપી તેમના વચ્ચે સુખદ સમાધાન કરાવ્યુ હતુ અને બહેનના પિયરના સભ્યો સાથે પણ ફોન પર વાતચીત કરી યોગ્ય માર્ગદર્શન આપી પીડિતાના પતિ અને સાસરી વાળાએ બહેનને સલામત ઘરે પહોંચાડ્યા એ બદલ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.