હુકમ:ગઢડા (સ્વામીના)માં ગોપીનાથજી મંદિરના સંતો સામે કરાયેલા તડીપારના ઓર્ડરને હાઇકોર્ટે રદ કર્યો

ગઢડા(સ્વામીના)20 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ ગઢડાના ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટના વહીવટી ચૂંટણીના વિવાદને ધ્યાને રાખીને પોલીસ તંત્ર દ્વારા કરેલી રજૂઆતથી નાયબ કલેક્ટર બોટાદ દ્વારા એસ.પી.સ્વામી ગઢડા અને પૂર્વ કોઠારી ઘનશ્યામવલ્લભદાજીને તડીપાર કરવાના કરાયેલા હુકમને રદ કરતા ગુજરાત હાઈકોર્ટના ઓર્ડરમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરી જણાવ્યું છે કે સરકારી તંત્ર દ્વારા તેની પાસે રહેલા પાવરનો ગેરવ્યાજબી ઉપયોગ કરી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચાલી રહેલા બે જૂથના વિવાદમાં એક તરફી વલણ દાખવી તંત્ર તેની સત્તાનો દુરુપયોગ કરી એક જૂથના સંતોને તડીપારના ઑર્ડરનો આશરો લઇ અને બીજા જૂથના સંતોની ન્યાયિક લડાઈ સરળ બનાવી રહ્યું છે. આ પ્રકારની ટીપ્પણી કરી હાઇકોર્ટ દ્વારા નાયબ કલેકટર બોટાદ તરફથી કરવામાં આવેલા તડીપારના ઓર્ડરને અયોગ્ય ઠરાવી તડીપારનો ઓર્ડર કોઈપણ સંજોગોમાં ટકી શકે તેમ નથી એવું હાઇકોર્ટ દ્વારા જણાવી ઓર્ડર નામંજૂર કરી હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો છે.

ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટની વહીવટી ચૂંટણી તારીખ 5/6/2019ના રોજ યોજવામાં આવી હતી. તેમાં દેવપક્ષના દ્વારા 13000 બિનસત્સંગીના નામો મતદાર યાદીમાં ઉમેરી દેવામાં આવ્યા હોવા મુદ્દે તેમજ મતગણતરી નિયમો વિરુદ્ધ ખોટી રીતે કરવામાં આવી હોવાનું તથા હરજીવનદાસજી ટ્રસ્ટના બંધારણ મુજબ બીજા ટ્રસ્ટમાં ટ્રસ્ટી હોવાના કારણે ટ્રસ્ટી તરીકે રહી શકતા ન હોય જેથી તેઓને ગઢડા મંદિરના ટ્રસ્ટી તરીકેથી દૂર કરવામાં આવ્યા હોવા સહિત મુદ્દે કોર્ટમાં અરજીઓ પેન્ડિગ પડેલી છે . આ ઉપરાંત DYSP નકુમ દ્વારા તારીખ 16/6/2020ના રોજ ગઢડા મંદિર ટ્રસ્ટની ઓફિસમાં ગેરવર્તુણક કરીને, ગાળો બોલીને, કાયદો હાથમાં લઈને ટ્રસ્ટના ચેરમેનને ટ્રસ્ટની ઓફિસમાંથી બહાર કાઢી મુકીને ડિવાયએસપી નકુમ ચેરમેનની ખુરશી ઉપર બેસીને દેવપક્ષના ગ્રુપને ખુલ્લેઆમ મદદ કરી હોવાના આક્ષેપો બાદ તે બાબતે હાઈકોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવી છે. ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાને લઈને પોલીસ તંત્ર અને નાયબ કલેકટર દ્વારા સત્તાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર થયેલી ચૂંટણી વિરુદ્ધ કાનૂની કાર્યવાહી ન કરી શકે અને થયેલી કાર્યવાહીમાં દેવપક્ષના ગ્રુપને પક્ષપાતી મદદ કરવાના હેતુથી સંતો ઉપર થયેલા તડીપારના ઓર્ડરને હાઈકોર્ટ દ્વારા રદ કરાયો છે.

નવા મુખ્યમંત્રી પર અમને વિશ્વાસ છે
આ સમગ્ર મામલે હાઇકોર્ટની કલીનચીટ અને તડીપારના ઓર્ડર રદ કરતા હુકમ બાદ એસ.પી. સ્વામીએ મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં એસ.પી. સ્વામીએ જણાવ્યું હતું કે અધિકારીઓના સત્તાના દુરૂપયોગ અને સંતો સામે તડીપાર જેવા બેજવાબદાર હુકમો સામે નગરપાલિકા સહિતે ઠરાવ કરી તડીપાર હુકમ રદ કરવા તથા જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવા અગાઉનાં મુખ્યમંત્રી સહિતને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ આવા ગંભીર પ્રશ્ને પણ રાજયના પૂર્વ મુખ્યમંત્રી તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. પરંતુ હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપર અમને વિશ્વાસ છે કે જે અમને થયેલા અન્યાયમાં ન્યાય અપાવશે.

અન્ય સમાચારો પણ છે...