ધોલેરા SIR કે જેને સિંગાપુર જેવું સ્માર્ટ સીટી બનાવવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય અમુક ગામોના ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે. ધોલેરા SIR દ્વારા ભડીયાદ-ધોલેરા વચ્ચે વરસાદી પાણીના નિકાલની મુખ્ય જગ્યા પર જ આડો પાળો બનાવી રિવરફ્રન્ટ બનાવવાનો પ્લાન કરતા આગામી ચોમાસામાં ઉપરવાસના તમામ ગામોના વરસાદી પાણીનો નિકાલ સદંતર બંધ થઈ જશે.
જે પાણી ખેતીની જમીનમાં પાણી ભરાઈ રહેતા ઉપરોક્ત તમામ ગામોની મોટાભાગની ખેતીની જમીન પડતર રહેવાની શક્યતા છે. એક બાજુ સરકાર 2022માં ખેડૂતોની આવક બમણી કરવા પ્રયત્નશીલ છે ત્યારે વિકાસના નામે ખેડૂતોને નુક્સાન કરવું અન્યાયકર્તા છે.
જેથી આ રિવરફ્રન્ટનું કામ તાત્કાલિક રદ કરવા ભડીયાદ ગામના સામાજિક કાર્યકર સહદેવસિંહ ચુડાસમાએ મુખ્યમંત્રી, વહીવટી તંત્ર અને ધોલેરા SIRને લેખિત રજૂઆત કરી છે. તેમજ ખેડૂતોનાં હિતમાં ધંધુકા થી ભડીયાદ સુધી રોડની બંને બાજુની ગટરો પહોળી તથા ઊંડી કરી વચ્ચેના રસ્તા પર મોટા નાળા મુકવા તેમ જ ધોલેરા થી પસાર થતા એક્સપ્રેસ હાઈવે પર વરસાદી પાણીના નિકાલની જગ્યાએ બ્રિજ બનાવવા તેમજ અલીયાસર તળાવનાં ઓવરફ્લો પાણીના નિકાલ માટે પાળમાં પાઈપો નાખી ગટર માં જોડાણ આપવામાં આવે તો આ પ્રશ્નોનો કાયમી નિકાલ થાય એમ છે.
આ બાબતે ગત વર્ષે પણ સ્થાનિક તંત્રને રજૂઆત કરવામાં આવી છે તેમછતાં અધિકારીઓની બેદરકારીથી ખેડૂતોને નુક્સાન ભોગવવાનો વારો આવ્યો છે. જેથી ચાલુ વર્ષે ચોમાસા પહેલા ઉનાળામાં જ ગટરો પહોળી કરવાનું તથા નાળા મુકવાનું કામ પૂર્ણ કરવામાં આવે એવી રજૂઆત સહદેવસિંહ ચુડાસમાએ મુખ્યમંત્રી અને વહીવટી તંત્રને લેખિત રજૂઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.