સાળંગપુર સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શનિવારે શ્રી હનુમાન જયંતી મહોત્સવની 2 વર્ષ બાદ ભવ્યાતિભવ્ય ઉજવણી થશે, જેની તૈયારીઓ કેટલાય સમયથી કરવામાં આવી રહી છે જેને હવે આખરી ઓપ અપાઈ રહ્યો છે.
ભક્તો માટે ખાસ સુવિધાનું આયોજન
આ મહોત્સવનો 10 લાખથી વધુ ભક્તો લાભ લેશે, આથી તંત્રે ખાસ રૂટ તૈયાર કર્યા છે તેમજ રહેવા-જમવા અને પાર્કિંગની વ્યવસ્થા કરી છે. મંદિર ખાતે શુક્રવારે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી દાદાના દરબારમાં શ્રી હનુમાન જયંતી મહોત્સવ બે વર્ષ બાદ ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામા આવી રહી છે એક સાથે દસ હજારથી વધુ વાહન પાર્ક થઈ શકે તે માટે 6 વિશાળ પાર્કિંગ એરિયા બનાવવામાં આવ્યા છે. 2 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો પણ યોજાશે.
પંચમુખી હનુમાનજીની આજે શોભાયાત્રા
શુક્રવારે બપોરે શ્રીનારાયણકુંડથી મંદિરના પરિસર સુધી પંચમુખી હનુમાનજીની હાથી પર શોભાયાત્રા નીકળશે, જેમાં હજારો બહેનો મસ્તક પર અભિષેકનું જળ ધારણ કરશે. 251 પુરુષ અને મહિલા સાફા ધારણ કરીને જોડાશે. તેમજ 108 બાળકો ધ્વજ લહેરાવશે. શોભાયાત્રામાં નાશિક ઢોલ, DJ અને બેન્ડવાજા પણ લોકોને મંત્રમુગ્ધ કરશે. આ ઉપરાંત દેશી ઘોડાગાડી અને બળદગાડું પણ આકર્ષણ જમાવશે. આ દરમિયાન સંતો 251 કિલો ફૂલ અને 25 હજાર કિલો ચોકલેટનો વરસાદ વરસાવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.