બોટાદ જિલ્લામાં સરેરાશ ખૂબ ઓછો વરસાદ પડતાં હાલ ખેડૂત ચિંતામાં વધારો થયો છે. ચોમાસાની શરુઆત સાથે સારો વરસાદ પડતાં વાવણી લાયક વરસાદને લઈ ખેડૂતો સમયસર વાવણી કર્યા બાદ પાકની જરૂરિયાત મુજબ વરસાદ ન હોવાથી ભારે નુકસાની વેઠવાનો વારો આવી શકે છે. જો 8 કે 10 દિવસમાં વરસાદ ન આવે તો પાક નિષ્ફળ જશે. ત્યારે હાલ સરકાર દ્વારા નર્મદામાં પૂરતું પાણી હોવાથી સરકાર દ્વારા કેનાલ મારફતે સૌની યોજના અંતર્ગત જો આ ખાલી ડેમો ભરી આપે તો ખેડૂતોના આ પાકને બચાવી શકાય તેમ છે. નહિતર એક વિઘે 25 થી 30 હજાર રુપિયાનું નુકશાન ખેડૂતોને ભોગવવું પડશે તે વાતથી ખેડૂત હાલ ચિંતામાં છે.
ખેડૂતોએ કરી પાણી માટેની માગ
બોટાદ જિલ્લામાં સરેરાશ જો વરસાદની વાત કરીએ તો ચાલુ વર્ષ દરમ્યાન ચોમાસાની સિઝનમાં બરવાળા તાલુકામાં કુલ 12 ઈંચ વરસાદ પડ્યો, રાણપુર તાલુકામાં 10 ઈંચ , ગઢડા તાલુકા માં 10 ઈંચ તેમજ બોટાદ તાલુકામાં 8.5 ઈંચ વરસાદ પડ્યો છે. જેને લઈ હાલ ડેમ,તળાવ તેમજ કુવા પણ ખાલી હોય જેને લઈ સિંચાઈના પાણીની ખૂબ જરૂરિયાત હોય ખેડૂત પાણીની માંગ કરી રહ્યો છે. બોટાદ જિલ્લા માં કુલ 1લાખ 90 હજાર હેક્ટર માં વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે કપાસ અને મગફળી નું વાવેતર કરવામાં આવે છે. જેમાં જિલ્લા માં 53,388 હેકટરમાં કપાસનું વાવેતર, 14245 હેકટરમાં મગફળીનું વાવેતર તો અન્ય વાવેતરમાં બાજરી,મકાઈ,મગ,મઠ, અડદ, સહિત શાકભાજીના પાકનું વાવેતર કરવામાં આવેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.