CR પાટીલે કહ્યું...:‘તાજમહલ કરતાં દિલ્હીનું અક્ષરધામ વધુ મૂલ્યવાન, સ્થાપત્યકલાનો ઉત્તમ નમૂનો’

બોટાદ, ગઢડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રી ગોપીનાથજી મંદિરે ખાતે 192મો વાર્ષિક પાટોત્સવ યોજાયો ભગવાન સ્વામિનારાયણ તેમના જીવનના 50 વર્ષોમાંથી 30 વર્ષો ગઢડાની ભૂમિ પર વિતાવ્યાં છે
  • સંત સમાગમથી જ જીવન-મૃત્યુના ચક્કરમાંથી મુક્ત થઇ શકાય, જીવનને ઉન્નત દિશામાં લઇ જવાં માટે સંતોનાં ચરણોમાં જવું જરૂરી છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

બોટાદ જિલ્લાનાં પ્રસિદ્ધ તિર્થધામ ગઢડા ખાતે શ્રી ગોપીનાથજી મહારાજનાં 192 માં વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ મહોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અને તેમણે સંત સમાગમથી જ જીવન-મૃત્યુના ચક્કરમાંથી મુક્ત થઇ શકાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંતોના ચરણોમાં જઇએ ત્યારે જે શાતા મળે છે તે અવર્ણયીય છે.

સી.આર. પાટીલે જણાવ્યું હતું કે તાજમહલ કરતાં દિલ્હીનું અક્ષરધામ વધુ મૂલ્યવાન છે.ભગવાન સ્વામિનારાયણ તેમના જીવનના 50 વર્ષોમાંથી 30 વર્ષો ગઢડાની ભૂમિ પર વિતાવ્યાં છે, તેવું પવિત્ર તીર્થધામ ગઢડા છે. ભગવાન સ્વામિનારાયણ ધર્મ સાથે જોડાયેલાં રહેવાનો સંદેશો તેમના કર્મોથી ફેલાવ્યો હતો. વચનામૃત વાંચીએ ત્યારે આપણને લાગે કે તેને યોગ્ય જીવન જીવીએ છીએ, પરંતુ વાસ્તવમાં તેમ હોતું નથી. જીવનને ઉન્નત દિશામાં લઇ જવાં માટે સંતોનાં ચરણોમાં જવું જરૂરી છે. ભગવાન સ્વામિનારાયણે પ્રબોધેલા માર્ગે જ વિશ્વ સમસ્તનું કલ્યાણ થઇ શકશે.

આપણા ધર્મના મંદિરોમાં જઈએ ત્યારે આપણે નીજધામમાં પધાર્યા હોય તેવી લાગણી થાય છે તેની પાછળ આપણું સંસ્કૃતિનું સત્વ રહેલું છે. સરકાર એકલા હાથે બધું ન કરી શકે, સૌ સાથે મળીને કાર્ય કરીએ ત્યારે મોટા કાર્યો પણ સરળતાથી સિદ્ધ થતાં હોય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આથી જ સ્વચ્છતા-સફાઇ, શૌચાલય, ગેસ, પાણી જેવાં સામાન્ય પ્રશ્નો જે વર્ષોથી વણઉકેલ્યાં હતાં તેને સહકારથી સિદ્ધ કરી શક્યાં છે. સંતોના આશીર્વાદથી સંવેદનશીલતાથી રાજ્ય સરકાર સાથે ખભેખભો મીલાવી સમાજ સેવાનું કાર્ય કર્યું હતું.

ધારાસભ્ય આત્મારામભાઈ પરમારે જણાવ્યું હતું કે, તપ, તપસ્યાની ભાવભૂમિ પર ભગવાન સ્વામિનારાયણે જે રીતે ધર્મનો આહલેક જણાવ્યો હતો તે આજે વિશાળ સત્સંગીઓ દ્વારા ઉજાગર થયો છે. ભા.જ.પ. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે, સ્વામિનારાયણ ભગવાન કહેતાં હતાં કે, ગઢપુર મારૂં છે અને હું ગઢડાનો છું. તેમણે પોતાના જીવનનો મોટોભાગ ગઢપુરમાં વિતાવ્યો હતો તે રીતે આ પ્રવિત્ર તિર્થભૂમિ છે. સ્વામિનારાયણનાં સંતો દ્વારા વૈશ્વિક સ્તરે જે સેવા થાય છે. વ્યક્તિત્વ વિકાસ માટે સંતો દ્વારા જે પ્રયત્ન થાય છે તે બિરદાવવા પાત્ર છે.

નિર્વ્યસની વ્યક્તિનાં નિર્માણ સાથે સમાજનાં વિકાસ માટે પ્રામાણિકતા સાથે કાર્ય કરે તેવા વ્યક્તિ વિકાસનાં નિર્માણનું કાર્ય સ્વામિનારાયણનાં સંતો કરી રહ્યાં છે તે વંદનીય છે. તાજમહલ કરતાં દિલ્હીનું અક્ષરધામ વધુ મૂલ્યવાન છે. કારણ કે તેમાં મૂલ્યો અને ગુણોનું સિંચન થયું છે. સ્થાપત્યકલાનો ઉત્તમ નમૂનો જોવો હોય તો સ્વામિનારાયણ મંદિરનાં દર્શન કરો.

આ પ્રસંગે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે સ્વાગત કરતાં કહ્યું કે, ગુજરાતનાં નાનામાં નાના માણસ સુધી પહોંચતી આ સરકાર દ્વારા આ સંપ્રદાયનાં સ્થાપનાનાં પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી લોકોની સુવિધાઓમાં વધારો કરવાં થતા તમામ કાર્યો કરવાં તત્પર છે. આ પ્રસંગે ગઢપુર અંગેની દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ રજુ કરવામાં આવી હતી. ગોપીનાથજી મંદિર ગઢડાના ચેરમેન હરીજીવનદાસજી મહારાજે આશિર્વચન પાઠવ્યાં હતાં.

શ્રી લીંબતરૂં યાત્રિક ભવનનું લોકાર્પણ મુખ્યમંત્રીનાં હસ્તે કરવામાં આવ્યુ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે બોટાદ જિલ્લાનાં પ્રસિદ્ધ તિર્થધામ ગઢડા ખાતે રૂ.20 કરોડનાં ખર્ચે નવનિર્મિત શ્રી લીંબતરૂં યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે તેમની સાથે પ્રદેશ ભા.જ.પ. અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ પણ જોડાયાં હતાં. આ લીંબતરૂ યાત્રિક ભવનમાં 140 એ.સી.રૂમોની સગવડ ઉભી કરવામાં આવી છે.

તમામ સુવિધાઓ સાથેનાં આ યાત્રિક ભવનના નિર્માણથી યાત્રિકોની સગવડતામાં વધારો થશે. આ પ્રસંગે મુખ્યમંત્રી સાથે પૂર્વ મંત્રી સૌરભભાઇ પટેલ, ધારાસભ્ય આત્મારામભાઇ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણી, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ ભીખુભાઇ વાધેલા, વડતાલ મંદિરનાં પીઠાધીપતિ રાકેશપ્રસાદજી મહારાજ તેમજ ગોપીનાથજી મંદિરનાં સ્વામી હરીજીવનદાસજી મહારાજ, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા તથા પદાધિકારી-અધિકારી, સંતગણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...