બોટાદના યુવકે સાળી સાથેના પ્રેમસંબંધમાં પ્રેમિકાના ખર્ચા પહોંચી વળવા વ્યાજખોરોનો સહારો લીધો હતો અને અંતે દેવાના બોજથી આત્મહત્યા કરી હતી. આ મામલે યુવકની માતાએ બોટાદ પોલીસ સ્ટેશનમાં એક મહિલા સહીત 4 વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તા. 15-1-23ના રોજ મરણ જનાર જગદીશ છનાભાઈ બથવાર રહે. બોટાદ, ટાઢાની વાડીના માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે જગદીશને તેની સાળી વર્ષા મનસુખભાઈ પરમાર, રહે. વઢવાણ સાથે પ્રેમસંબંધ હતો.
વર્ષા જગદીશ પાસે અવાર નવાર ખર્ચના પૈસા માગતી હતી અને તે ખર્ચને પહોંચી વળવા જગદીશે બોટાદ મેમણ કોલોની પાસે રહેતા કેતન વીજુડા પાસેથી 20% લેખે રૂ.1,30,000 વ્યાજે લીધા હતા. જેનું વ્યાજ કટકે કટકે કુલ રૂ.50,000 ચૂકવ્યા હતા. તેમજ અનિરુદ્ધ ખાચર રહે. સાળંગપુરવાળા પાસેથી 20% વ્યાજે રૂ. 1,00,000 લીધા હતા જેના વ્યાજ લેખે દર બુધવારે 15000 ડાયરીના પૈસા ભરતો હતો. તેમજ અમરાભાઈ મેરાભાઈ ચૌહાણ, રહે. સેથળી વાળા પાસેથી 25% વ્યાજે રૂ.1,80,000 લીધા હતા. જેનું માસિક વ્યાજ રૂપિયા 45000 આપતો હતો.
તેમજ બોટાદ સવગણનગરમાં રહેતા ડેનિસ. જે મકવાણા પાસેથી 35%ના વ્યાજે રૂ.1,50,000 લીધા હતા. જેને વ્યાજ લેખે એક સાથે કુલ રૂ.70,000 આપ્યા હતા. બોટાદ ટાઢાની વાડીમાં રહેતા જતીન ઉર્ફે જયુ ચાવડા પાસેથી 25% વ્યાજે 1,50,000 લીધા હતા જેને વ્યાજ પેટે તારીખ 19-11-22 ના રોજ રૂ.90,000 આપ્યા હતા.
વ્યાજખોરો દ્વારા સતત ઉઘરાણીના કારણે જગદીશની બહેન મનીષાનું બોટાદ ખુશ્બુ રેસિડેન્ટમાં આવેલું મકાન બેંકમાં ગીરવે મૂકી લોનના રૂપિયા 3,70,000 ઉપરોક્ત માણસોને વ્યાજના ચૂકવ્યા હતા. આમ વ્યાજખોરોના ત્રાસથી તેણે આત્મહત્યા કરી હતી. જેથી તેના માતાએ વર્ષા મનસુખભાઈ પરમાર (રહે. વઢવાણ), કેતન વિજુડા, જતિન ઉર્ફે જયુ ચાવડા (રહે. બોટાદ), અનિરુદ્ધ ખાચર (રહે.સાળંગપુર), અમરા ચૌહાણ (રહે.સેથળી) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પીએસઆઈ પ્રવીણભાઈ અસોડાએ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.