બોટાદના શંકરપરા ખસ રોડ ખાતે રહેતું દંપતી બજારમાં ખરીદી કરવા ગયું હતું ત્યારે મોટરસાઈકલ પાર્કિંગ બાબતે 2 ઈસમોએ દંપતીને માર મારી ઈજાઓ પહોંચાડતા બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
બોટાદના ખસ રોડ શંકરપરા ખાતે રહેતા શિલ્પાબેન અને તેમના પતિ પરેશભાઈ તા. 14-3-23ના રોજ મોટરસાઈકલ લઈ પાંજરાપોળ રોડ ખાતે તેમનું બાઈક પાર્ક કરી ખરીદી કરવા માટે ગયા હતા. પરત ફર્યા ત્યારે તેમનું બાઈક રોડ પર પાર્ક કરેલું જોવા મળ્યું હતું.
જેથી પરેશભાઈએ ત્યાંના દુકાનદાર આદીલ દિનમહોમ્મદભાઈને પૂછતા આદીલે પરેશભાઈને બે લાફા ઝીંક્યા હતા. જ્યારે અન્ય એક અજાણ્યા ઈસમે પરેશભાઈ ઉપર પાઈપ વડે હુમલો કર્યો હતો. તે સમયે શિલ્પાબેન પોતાના પતિને બચાવવા ગયા એટલે આદીલે તેમને એક ઝાપટ મારી દીધી હતી.
ત્યારબાદ આજુબાજુ માણસો ભેગા થઈ જતા બંને ઈસમો દુકાનમાં જતા રહ્યા હતા. આ બનાવ અંગે શિલ્પાબેન પરેશભાઈ કણઝરીયાએ આદીલ દિનમહોમ્મદભાઈ અને એક અજાણ્યા ઈસમ વિરૂદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામા પક્ષે આદીલભાઈ દિનમહોમ્મદભાઈ કળગથરાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે પરેશ અને તેના પત્ની તેમની દુકાન આગળ બાઈક મુકવા આવ્યા હતા. ત્યારે તેમણે મો.સા થોડે દૂર મુકવા જણાવ્યું હતું. જેથી પરેશે બાઈક અહીં જ મૂકવાની છે તેમ કહી બજારમાં ખરીદી કરવા માટે જતા રહેલા અને ખરીદી કરીને આવી જોર જોરથી ગાળો બોલવા લાગ્યા હતા.
ત્યારબાદ થોડા સમયમાં પરેશ અને તેનો ભાઈ હરેશ કણઝરીયા દુકાને આવી અપશબ્દો કહેવા લાગ્યા હતા. વધુમાં આદિલભાઈએ બંને ભાઈઓએ ઢીકા પાટુનો માર માર્યાની ફરિયાદ બોટાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.