સન્માન:સાળંગપરડા પ્રાથમિક શાળાના શિક્ષકને ચિત્રકૂટ એવોર્ડ અપાયો

બોટાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકે મોરારિબાપુ અને મહાનુભાવોના હસ્તે રાજ્યકક્ષાનું સન્માન મેળવી બોટાદ જિલ્લાનું ગૌરવ વધાર્યું

રાજ્યની જિલ્લા પંચાયત અને નગરપાલિકા હસ્તકની પ્રાથમિક શાળાઓમાં સેવા આપતા સારસ્વત ભાઈ બહેનોમાંથી બે વર્ષના 66 શ્રેષ્ઠ શિક્ષકોને ચિત્રફૂટ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.

પ્રાથમિક શાળાઓમાં વિશિષ્ટ કામગીરી,કર્તવ્ય પાલનતામાં નિ:સ્વાર્થ સિંહફાળો અને યોગદાન આપનાર શ્રેષ્ઠ શિક્ષકોને દર વર્ષે પુણ્યભૂમિ તલગાજરડા ખાતે ચિત્રકૂટધામ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક સન્માન અંતર્ગત ચિત્રકૂટ પારિતોષિક એનાયત સમારંભ પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય સંતશ્રી મોરારિબાપુના સાનિધ્યમાં યોજવામાં આવે છે.આ એવોર્ડ પ્રાપ્ત કરવો શિક્ષણ જગતમાં ઉત્તમ માનવામાં આવે છે.

વર્ષ 2020નો ચિત્રકૂટ એવોર્ડ બોટાદ જિલ્લાના ગઢડા (સ્વા.) તાલુકાની સાળંગપરડા પ્રાથમિક શાળાના શિક્ષક રમેશકુમાર રવજીભાઈ બાવળિયાને એનાયત કરવામાં આવ્યો હતો.પ.પૂ. મોરારિબાપુ અને સીતારામબાપુ, દિગ્વિજયસિંહ જાડેજા રાજ્ય પ્રાથમિક શિક્ષકસંઘ પ્રમુખ, સતિષભાઈ પટેલ રાજ્ય મહામંત્રી, પૂર્વ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ દિલીપસિંહ ગોહિલ, શિક્ષણ સમિતિના ચેરમેન તેમજ વિવિધ મહાનુભાવોએ શિલ્ડ, સન્માન પત્ર અને રૂપિયા 25000ની સન્માન રાશિ ઉપરાંત વિવિધ ભેટો આપી રમેશભાઈ બાવળિયાનું સન્માન કર્યું હતું.

આ શિક્ષક બાળમેળો, ઇનોવેશન, ઇકો કલબ, શાળા સુશોભન, સંગીતકલા,કન્યા કેળવણી જેવી અનેક પ્રવૃત્તિઓમાં સુંદર કામગીરી કરી શાળાને સુંદર બનાવવા ઉપરાંત ગુણોત્સવમાં પણ A+ જેવો ગ્રેડ મેળવવામાં તેમનું અમૂલ્ય યોગદાન રહ્યું છે.ટોયફેરમાં પણ તેમની કૃતિને રાજ્યકક્ષાએ પસંદ કરવામાં આવી હતી. કલા સંગીત વગેરેમાં તેમની શાળાના બાળકોએ કૌશલ્ય બતાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...